Bible Language

1 Samuel 7:2 (GUV) Gujarati Old BSI Version

1 અને કિર્યાથ-યારીમના માણસો ત્યાં ગયા, ને યહોવાનો કોશ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો, ને તેના દીકરા એલાઝારને યહોવાના કોશની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો.
2 અને એમ થયું કે જે દિવસથી કોશ કિર્યાથ-યારીમમાં રહ્યો ત્યારથી લાંબો સમય વીતી ગયો, એટલે વીસ વર્ષ થઈ ગયાં; અને ઇઝરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું.
3 ત્યારે શમુએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, “જો તમે તમારા પૂરા અંત:કરણથી યહોવા તરફ ફરતા હો, તો તમારામાંથી અન્ય દેવો તથા આશ્તારોથને કાઢી નાખો, ને તમારાં મન યહોવા તરફ વાળો, ને ફક્ત તેમની ઉપાસના કરો; એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે.”
4 ત્યારે ઇઝરાયલપુત્રો બાલિમ તથા આશ્તારોથને કાઢી નાખીને ફક્ત યહોવાની ઉપાસના કરવા લાગ્યા.
5 પછી શમુએલે કહ્યું, “સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકત્ર કરો, એટલે હું તમારે માટે યહોવાને વિનંતી કરીશ.”
6 અને તેઓ મિસ્પામાં એક્ત્ર થયા, ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે ઉપવાસ કર્યો, ને ત્યાં કહ્યું, “અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને શમુએલે મિસ્પામાં ઇઝરાયલી લોકોનો ન્યાય કર્યો.
7 પલિસ્તીઓએ સાંભળ્યું, કે ઇઝરાયલીઓ મિસ્પામાં એક્ત્ર થયા છે, ત્યારે પલિસ્તીઓના સરદારોએ ઇઝરાયલી લોકો ઉપર ચઢાઈ કરી. અને ઇઝરયલીઓએ સાંભળ્યું ત્યારે તેઓ પલિસ્તીઓથી બીધા.
8 અને ઇઝરાયલી લોકોએ શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું મૂકો કે, તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે.”
9 અને શમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ યહોવાને કર્યું; અને તેણે ઇઝરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી; અને યહોવએ તેને ઉત્તર આપ્યો.
10 શમુએલ દહનીયાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇઝરાયલની સાથે લડાઈ કરવાને પાસે આવ્યા; પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજ્ય કર્યો. તેઓ ઇઝરાયલીઓ સામે માર્યા ગયા.
11 અને ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથ-કારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા.
12 ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો, ને તેનું નામ એબેન-એઝેર પાડીને કહ્યું, “અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે.”
13 એમ પલિસ્તીઓ પરાજિત થયા, ને તેઓ ઇઝરાયલની સીમમાં ફરી આવ્યા નહિ, શમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ પલિસ્‍તીઓની વિરુદ્ધ હતો.
14 એક્રોનથી છેક ગાથ સુધી જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લઈ લીધાં હતાં, તે ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં; અને તેઓની સરહદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી છોડાવી. અને ઇઝરાયલીઓ તથા અમોરીઓની વચ્ચે સુલેહ હતી.
15 શમુએલે પોતાના જીવનના સર્વ દિવસોભર ઇઝરાયલનો ન્યાય કર્યો.
16 તે વરસોવરસ અનુક્રમે બેથેલ, ગિલ્ગાલ તથા મિસ્પામાં જતો હતો, અને તે બધે સ્થળે તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો.
17 અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો; અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી.