Bible Language

2 Chronicles 1:9 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો, ને તેના ઈશ્વર યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો.
2 સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને તથા આખા ઇઝરાયલમાંના સર્વ સરદારોને, એટલે પિતૃઓનાં કુટુંબોના વડીલોને ભેગા થવાની આજ્ઞા કરી.
3 પછી તે પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાને ગયો, કેમ કે ઈશ્વરનો મુલાકાતમંડપ જે યહોવાના સેવક મૂસાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો.
4 પણ દાઉદે ઈશ્વરના કોશને માટે જે જગા તૈયાર કરી હતી ત્યાં તે તેને કિર્યાથ-યારીમથી લાવ્યો હતો; કેમ કે તેણે તેને માટે યરુશાલેમમાં તંબુ માર્યો હતો.
5 વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં યહોવાના મંડપની સામે હતી; અને સુલેમાને તથા સર્વ લોકોએ ત્યાં જઈને યહોવાની આરાધના કરી.
6 તેથી મુલાકાતમંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સમક્ષ હતી તેની પાસે સુલેમાન ગયો, ને તેના પર તેણે એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.
7 તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને તેને કહ્યું, ”માગ; હું તને શું આપું?”
8 સુલેમાને ઈશ્વરને કહ્યું, ”મારા પિતા દાઉદ ઉપર તમે મોટી કૃપા કરીને તેમની જગાએ મને રાજા ઠરાવ્યો છે.
9 હવે, હે યહોવા ઈશ્વર, તમે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાઓ; કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તમે મને રાજા કર્યો છે.
10 લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપો; કેમ કે તમારી મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”
11 ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે.
12 તે માટે મેં તને ડહાપણ તથા વિવેકબુદ્ધિ બક્ષ્યાં છે. વળી હું તેન એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને હતું, ને તારી પાછળના કોઈને મળશે પણ નહિ.”
13 સુલેમાન ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનથી, એટલે મુલાકાતમંડપ આગળથી, યરુશાલેમ આવ્યો, ને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
14 સુલેમાને રથો તથા સવારો એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો તથા બાર હજાર સવારો હતા, તેઓને તેણે રથો રાખવાના નગરોમાં તથા યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા.
15 રાજાએ યરુશાલેમમાં સોનુરૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું, ને એરેજવૃક્ષોને એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખાં થઈ પડ્યાં.
16 સુલેમાનના ઘોડા મિસરમાંથી લાવેલા હતા. રાજાના સોદાગરો તેમને જથાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.
17 મિસર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાના છસો શેકેલ, અને દરેક ઘોડો દોઢસો શેકેલ આપીને લઈ આવતા. પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.