Bible Language

Deuteronomy 33:4 (GUV) Gujarati Old BSI Version

1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મરણ અગાઉ ઇઝરાયલી લોકોને જે આશીર્વાદ આપ્યો તે છે.
2 અને તેણે કહ્યું, “યહોવા સિનાઈથી આવ્યા, અને સેઈરથી તેઓ પર ઊગ્યા; પારાન પહાડથી તે પ્રકાશ્યા, અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા; તેમના જમણા હાથમાં નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
3 હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; પ્રત્યેક તમારાં વચનો સ્વીકારશે.
4 મૂસાએ અમને, યાકૂબના સમુદાયને, વારસા તરીકે નિયમશાસ્‍ત્ર આપ્યું.
5 અને જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં, ત્યારે યહોવા યશુરૂનમાં રાજા હતા.
6 રૂબેન જીવતો રહે, ને મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.”
7 અને યહુદાને માટે આશીર્વાદ છે: અને તેણે કહ્યું, “હે યહોવા, યહુદાની વાણી સાંભળો, અને તેને તેના લોકમાં પાછો લાવો; તેણે પોતાને માટે લડાઈ કરી, અને તેના શત્રુઓની વિરુદ્ધ તમે તેને સહાય કરશો.”
8 અને લેવી વિષે તેણે કહ્યું, “તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, -તમારો પસંદ કરેલો પુરુષ, જેની તમે માસ્સામાં પરીક્ષા કરી, જેની સાથે તમે મરીબાનાં પાણી પાસે વાદ કર્યો, -તેની સાથે છે;”
9 તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.
10 તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.
11 હે યહોવા તેની સંપત્તિને આશીર્વાદ આપો, અને તેના હાથનું કામ સ્વીકારો; જેઓ તેની વિરુદ્ધ ઊઠે છે, ને જેઓ તેનો દ્વેષ કરે છે, તેઓની કમર વીંધી નાખો કે તેઓ ફરી ઊઠવા પામે.”
12 બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.
13 અને યૂસફ વિષે તેણે કહ્યું: “તેની ભૂમિ યહોવાથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉત્તમ વસ્તુઓથી, ઝાકળથી, અને ઊંડણના પાણીથી,
14 અને સૂર્યની ઊપજની ઉત્તમ વસ્તુઓથી, અને ચંદ્રની વઘઘટની ઉત્તમ વસ્તુઓથી,
15 અને પ્રાચીન પહાડોની ઉત્તમ વસ્તુઓથી અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
16 અને પૃથ્વી તથા તેના ભરપૂરપણાની ઉત્તમ વસ્તુઓથી, અને ઝાડમાં જે રહ્યો તેની કૃપાથી; યૂસફ પર, એટલે જે પોતાના ભાઈઓમાં આગેવાન જેવો હતો, તેના પર આશીર્વાદ આવો.
17 તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”
18 ઝબુલોન વિષે તેણે કહ્યું: “હે ઝબુલોન, તારા બહાર જવામાં, અને હે ઇસ્સાખાર, તારા તંબુઓમાં હરખાઓ.
19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે, ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞચઢાવશે: કેમ કે તેઓ સમુદ્રોમાંની પુષ્કળતાને, તથા રેતીમાંના ગુપ્ત ભંડારોને ચૂસશે.”
20 ગાદ વિષે તેણે કહ્યું: “ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાઓ; તે સિંહણની માફક રહે છે, અને ભુજને, હા, માથાના તાલકાને ફાડી નાખે છે.
21 અને પ્રથમ ભાગ તેણે પોતાને માટે મેળવ્યો, કેમ કે નિયમસ્થાપકનો ભાગ ત્યાં રાખી મૂકેલો હતો; અને તે લોકોના આગેવાનોની સાથે આવ્યો, અને યહોવાના ન્યાયનો, તથા ઇઝરાયલ વિષે તેનો હુકમોનો તેણે અમલ કર્યો.”
22 અને દાન વિષે તેણે કહ્યું: “દાન બાશાનથી કૂદી નીકળતું સિંહનું બચ્ચું છે.”
23 અને નફતાલી વિષે તેણે કહ્યું: “હે, અનુગ્રહથી તૃપ્ત થએલા, અને યહોવાના આશીર્વાદથી ભરપૂર નફતાલી; તું પશ્ચિમનું તથા દક્ષિણનું વતન પામ.”
24 અને આશેર વિષે તેણે કહ્યું: “આશરે ઘણાં સંતાનનો પિતા થવાને આશીર્વાદિત થાઓ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો.
25 તારી ભૂંગળો પિત્તળ તથા લોઢાની થશે; અને જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.
26 યશુરૂન, આપણા ઈશ્વરના જેવો કોઈ નથી, કે જે તારી મદદને માટે આકાશ પર, અને પોતાના ગૌરવમાં અંતરિક્ષ પર સવારી કરે છે.
27 સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.
28 અને ઇઝરાયલ સલામતીમાં રહે છે, યાકૂબનો ઝરો એક્લો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે; હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
29 હે ઇઝરાયલ, તને ધન્ય છે; યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે! અને તારા શત્રુઓ તારે તાબે થશે; અને તું તેઓનાં ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.”