Bible Language

Ecclesiastes 9:15 (GUV) Gujarati Old BSI Version

1 બધા વિષે માહિતી મેળવવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો, ને મેં જોયું કે નેકીવાનો તથા જ્ઞાનિઓ તથા તેઓનાં કામો ઈશ્વરના હાથમાં છે. મેં જોયું કે તે પ્રેમ હશે કે દ્વેષ હશે, તે કોઈ માણસ જાણતો નથી; બધું તેમના ભવિષ્યમાં છે.
2 બધાં વાનાં સર્વને સરખી રીતે મળે છે: નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહિ કરનારના એક હાલ થાય છે; જેવી સજજનની હાલત થાય છે તેવી દુર્જનની હાલત થાય છે; જેવી સોગન ખાનારની હાલત થાય છે તેવી સોગનથી ડરનારની પણ થાય છે.
3 સર્વની એક ગતિ થવાની છે, તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં ભળી જાય છે.
4 જેનો સંબંધ સર્વ જીવતાઓની સાથે છે તેને આશા છે; કેમ કે જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે.
5 જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી, તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી, કેમ કે તેમનુમ સ્મરણ લોપ થયું છે.
6 તેમનો પ્રેમ તેમ તેમનાં દ્વેષ તથા ઈર્ષા હવે નષ્ટ થયાં છે; અને જે કંઈ કામ પૃથ્વી ઉપર થાય છે તેમાં હવે પછી કોઈ પણ કાળે તેઓને કંઈ હિસ્સો મળવાનો નથી.
7 તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી; કેમ કે ઈશ્વર તારાં કામનો સ્વીકાર કરે છે.
8 તારાં વસ્ત્રો સદા ધોળાં રાખ; અને તારા માથાને અત્તરની ખોટ પડવા દે.
9 પૃથ્વી પર જે વ્યર્થ જિંદગી ઈશ્વરે તને આપી છે તેમાં તારી પત્ની, જેના પર તું પ્રેમ રાખે છે, તેની સાથે તારા વ્યર્થતાના સર્વ દિવસો સુધી આનંદમાં રહે; કેમ કે તારી જિંદગીમાં તથા પૃથ્વી પર જે શ્રમ તું ઉઠાવે છે તેમાં તારો હિસ્સો છે.
10 જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
11 હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ ની અસર સર્વને લાગુ પડે છે.
12 મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી; કેમ કે જેમ માછલાં ક્રૂર જાળમાં સપડાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાય છે, તેમ ભૂંડો સમય માણસો ઉપર એકાએક આવી પડે છે, અને તેમને ફસાવે છે.
13 વળી, મેં પૃથ્વી પર એક જ્ઞાનની બાબત જોઈ, અને તે મને મોટી લાગી:
14 એક નાનું નગર હુતું, તેમાં થોડા માણસ હતાં; અને એક મોટો રાજા તેની સામે ચઢી આવ્યો, તેણે તેને ઘેરો કર્યો, અને તેની સામે મોટા મોટા મોરચા બાંધ્યા.
15 હવે તેની અંદર એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ મળી આવ્યો, તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું. પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ.
16 ત્યારે મેં કહ્યું કે, બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે; તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે, અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી.
17 મૂર્ખોના સરદારના પોકાર કરતાં બુદ્ધિમાનોના છૂપા બોલ વધારે સંભળાય છે.
18 યુદ્ધશસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે; પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે.