Bible Language

Isaiah 49:13 (GUV) Gujarati Old BSI Version

1 હે ટાપુઓ, તમે મારું સાંભળો; હે લોકો, દૂરથી ધ્યાન આપો; હું ગર્ભસ્થાનમાં હતો ત્યારથી યહોવાએ મને બોલાવ્યો છે. હું મારી માના ઉદરમાં હતો ત્યારથી પ્રભુએ મારા નામનું સ્મરણ કર્યું છે.
2 તેમને મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું કર્યું છે; તેમણે મેન પોતાના હાથની છાયામાં સંતાડયો છે, અને તેમણે મને ઓપેલા બાણ સમાન કર્યો છે, તેમણે પોતાના ભાથામાં મને ગુપ્ત રાખ્યો છે;
3 તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; તારામાં હું મહિમાવાન મનાઈશ.”
4 પરંતુ મેં કહ્યું, ‘મેં અમથો શ્રમ કર્યો છે, મેં પોતાનું સામર્થ્ય નકામું ને વ્યર્થ ખરચી નાખ્યું છે; તો પણ મારો ઇનસાફ યહોવાની પાસે, ને મારો બદલો મારા ઈશ્વરના હાથમાં છે.’
5 હવે યહોવા જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે બનાવ્યો છે, તે કહે છે, “તું મારી પાસે યાકૂબને પાછો ફેરવી લાવ, ને ઇઝરાયલને મારી પાસે એકઠા કર”; (કેમ કે યહોવાની દષ્ટિમાં હું માન પામેલો છું, ને મારા ઈશ્વર મારું સામર્થ્ય થયેલા છે).
6 તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના નાશમાંથી બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”
7 જેને માણસો બહુ ધિક્કારે છે, જેનાથી લોકો કંટાળે છે, જે અધિકારીઓનો સેવક છે, તેને ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવા, જે તેના પવિત્ર ઈશ્વર છે, તે એવું કહે છે, “યહોવા જે સત્ય છે, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે, જેમણે તને પસંદ કર્યો છે, તેમને લીધે રાજાઓ તને જોઈને ઊભા થશે; સરદારો તને જોઈને પ્રણામ કરશે.”
8 યહોવા એવું કહે છે, “મેં માન્યકાળમાં તારું સાંભળ્યું છે, ને તારણને દિવસે મેં તારી સહાય કરી છે; હું તારું રક્ષણ કરીશ, ને તને લોકોના હકમાં કરારરૂપ નીમીશ, જેથી તું દેશનું પુન:સ્થાપન કરે, અને ઉજ્જડ થયેલાં વતનોને વહેંચી આપે;
9 અને જેથી તું બંદીવાનોને એવું કહે કે, ‘બહાર આવો’; જેઓ અંધારામાં તેઓને કહે કે, ‘પ્રકાશમાં આવો.’ રસ્તાઓ પર તેઓ ચરશે, ને સર્વ ઉજ્જડ ટેકરાઓ તેમના ચરણની જગા થશે.
10 તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ. અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.
11 મારા સર્વ પર્વતો પર હું માર્ગો કરીશ, ને મારી સડકો ઊંચી થશે.
12 જુઓ, તેઓ દૂરથી, જુઓ, ઉત્તરથી તથા પશ્ચિમથી, અને તેઓ સીનીમ દેશથી આવશે.
13 હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, આનંદ કર; પર્વતો, તમે જયઘોષ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, પોતાના દુ:ખી માણસો પર દયા કરશે.
14 પણ સિયોને, કહ્યું, “યહોવાએ મને તજી દીધી છે, પ્રભુ મને વિસરી ગયા છે.”
15 પ્રભુ કહે છે “શું સ્ત્રીઓ પોતાના પેટના દીકરા પર દયા કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વીસરી જાય? હા, કદાચ તેઓ વીસરે, પરંતુ હું તને વીસરીશ નહિ.
16 જો, મેં તને હથેલી પર કોતરી છે; તારા કોટ નિત્ય મારી સમક્ષ છે.
17 તારાં છોકરાં ઉતાવળ કરે છે; તારો વિનાશ કરનારા તથા તને ઉજ્જડ કરનારા તારામાંથી નીકળી જવાના છે.
18 ચારે તરફ દષ્ટિ ફેરવીને જો; સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવા કહે છે કે, મારા જીવના સોગન કે તું તે સર્વને આભૂષણની જેમ ધારણ કરીશ, અને કન્યાની જેમ તું તેઓને કમરે બાંધીશ.
19 તારી ઉજ્જડ તથા વસતિ વિનાની જગાઓ, ને તારો પાયમાલ થયેલો દેશ, તે તો હવે વસતિ માટે પૂરો પડશે નહિ, અને તને ગળી જનારા આઘા રહેશે.
20 જે પુત્રો તારાથી છૂટા પડયા હતા તેઓ ફરીથી તારા સાંભળતાં કહેશે, ‘અમને સંકડાશ છે; અમારે માટે જગા કર કે, અમે રહી શકીએ.’
21 ત્યારે તું તારા મનમાં કહેશે, ‘મારે માટે તેઓને કોણે જન્મ આપ્યો છે? કેમ કે હું પુત્રહીન ને વાંઝણી છું, બંદીવાન તથા આમતેમ ભટકનારી છું. તેઓને કોણે ઉછેર્યા છે? હું એકલી રહેતી હતી. તેઓ ક્યાં હતા?’”
22 પ્રભુ યહોવા એવું કહે છે, “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ, અને લોકોની તરફ મારી ધ્વજા ઊભી કરીશ. તેઓ તારા દીકરાઓને ગોદમાં લઈને આવશે, અને તારી દીકરીઓને ખભે બેસાડીને લાવશે.
23 રાજાઓ તારા વાલી, અને તેમની રાણીઓ તારી ધાવો થશે; ભૂમિ પર નાક ઘસીને તેઓ તને નમશે, તેઓ તારા પગની ધૂળ ચાટશે! ત્યારે, હું યુહોવા છું, અને મારી રાહ જોનારા લજવાશે નહિ, એવું તું જાણીશ.
24 શું પરાક્રમી પાસેથી લૂંટ ખૂંચવી લઈ શકાશે? શું જુલમીના હાથમાંથી ન્યાયી બંદીવાન છોડાશે?
25 પરંતુ યહોવા એવું કહે છે કે, પરાક્રમીઓના બંદીવાન પણ હરી લેવાશે, ને ભયંકરની લૂંટ પડાવી લેવાશે. પણ તારી સાથે જેઓ લડે છે તેઓની સાથે હું લડીશ, ને હું તારાં છોકરાંઓને તારીશ.
26 હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું માંસ ખવડાવીશ; અને જાણે નવા દ્રાક્ષારસથી મસ્ત થાય તેમ પોતાના લોહીથી તેઓ મસ્ત થશે! ત્યારે સર્વ માણસો જાણશે કે, હું યહોવા તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”