Bible Language

Jeremiah 2:11 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનું વચન મારી પાસે પ્રમાણે આવ્યું,
2 “તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.
3 ઇઝરાયલ યહોવાને માટે પવિત્ર હતો. તેના પાકનું પ્રથમફળ હતો. જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે; તેઓ પર વિપત્તિ આવશે, એમ યહોવા કહે છે.”
4 હે યાકૂબના વંશજો, તથા ઇઝરાયલના વંશનાં સર્વ કુળો, યહોવાનું વચન સાંભળો:
5 યહોવા કહે છે, “તમારા પૂર્વજોને મારામાં શો અન્યાય માલૂમ પડયો છે કે, તેઓ મારાથી દૂર ગયા છે, ને વ્યર્થતાની પાછળ ચાલ્યા છે, ને પોતે વ્યર્થ થયા છે?
6 વળી ‘જે યહોવા અમને મિસરમાંથી કાઢી લાવ્યા, જેમણે અમને રાનમાં, ઉજ્જડ તથા ખાડાટેકરાવાળી ભૂમિમાં, જે ભૂમિમાં થઈને કોઈ મનુષ્ય જતું નહોતું, ને જ્યાં કોઈ મનુષ્ય વસતું નહોતું, તેમાં થઈને ચલાવ્યા, તે યહોવા ક્યાં છે?’ એમ પણ તેઓએ નથી કહ્યું.
7 હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો; પણ તમે તેમાં દાખલ થઈને મારી ભૂમિને અશુદ્ધ કરી, તથા મારા વારસાને તિરસ્કારપાત્ર કરી નાખ્યો.
8 ‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”
9 “એ માટે હું હજી તમારી સાથે વિવાદ કરીશ, એમ યહોવા કહે છે; “અને તમારા પુત્રોના પુત્રોની સાથે હું વિવાદ કરીશ.
10 પેલી પાર કિત્તીમના દ્વીપોમાં જઈને જુઓ; અને કેદારમાં મોકલીને ઘણી ખંતથી શોધો; અને જુઓ કે એવું કંઈ થયું છે?
11 શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓ ના દેવો તો દેવો નથી! પણ જેનાથી હિત થતું નથી તેને માટે મારા લોકે પોતાનું ગૌરવ બદલ્યું છે.
12 આકાશો, એથી તમે વિસ્મિત થાઓ તથા ધ્રૂજો, છેક સુકાઈ જાઓ, એમ યહોવા કહે છે.
13 “કેમ કે મારા લોકોએ બે ભૂંડાં કામ કર્યાં છે; તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે, અને ટાંકાં કે જેમાં પાણી રહે નહિ, એવાં ભાંગેલા ટાંકાં તેઓએ પોતાના માટે ખોદ્યાં છે.
14 શું ઇઝરાયલ દાસ છે? તે શું શેઠના ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે?
15 તરુણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ ગર્જના કરી છે; તેઓએ તેની ભૂમિ ઉજ્જડ કરી છે; તેનાં નગરો બાળી નંખાયેલાં છે, ને તેઓમાં કોઈ રહેતું નથી.
16 વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે.
17 જ્યારે યહોવા તારો ઈશ્વર તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તેં તેને છોડી દીધો, તેથી તું તારી દશા તારા પોતાના પર લાવ્યો નથી?
18 હવે મિસરને માર્ગે જઈને નીલનું પાણી પીવાનું તારે શું કામ છે? અને આશૂરને માર્ગે જઈને ફ્રાત નદીનું પાણી પીવાનું તારે શું કામ છે?
19 તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; તો ભૂંડું તથા કડવું છે, એમ પ્રભુ, એટલે સૈન્યોનો ઈશ્વર યહોવા, કહે છે.
20 “કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.
21 પણ મેં તને રોપ્યો, તે સમયે તું ઉત્તમ દ્રાક્ષાવેલો હતો, ને તદ્દન શુદ્ધ બીજ હતો; તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષાવેલાનો નકામો છોડવો થઈ ગયો છે?
22 કેમ કે જો તું પોતાને ખારાથી ધૂએ તથા પોતાને ઘણો સાબુ ચોળે, તોપણ તારા પાપના ડાઘા મારી નજરે દેખાય, એમ પ્રભુ યહોવા કહે છે.
23 “તું કેમ કહી શકે કે, હું મલિન થયો નથી, હું બાલીમની પાછળ ચાલ્યો નથી? નીચાણમાં તારો માર્ગ જો, તેં જે કર્યું છે તે જાણ: વેગવાન સાંઢણીના જેવો તું પોતાના માર્ગોમાં આમતેમ ભટકે છે;
24 તું રાજમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ ચૂસ્યા કરે છે; જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ ફેરવી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ; પોતાની ઋતુમાં તે તેઓને મળશે.
25 તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”
26 ચોર પકડાય છે ત્યારે તે લજવાય છે, તેમ ઇઝરાયલના વંશને, એટલે તેઓના રાજાઓ, તેઓના સરદારો, તેઓના યાજકો, તથા તેઓના પ્રબોધકોને શરમ લાગે છે.
27 તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”
28 “પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ તારા સંકટમાં જો તને બચાવી શકે તો ભલે તેઓ ઊઠે; કેમ કે, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો તેટલા તારા દેવો પણ છે.”
29 “તમે શા માટે મારી સાથે વિવાદ કરો છો? તમે સર્વે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે, એમ યહોવા કહે છે.
30 “તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.
31 વંશ, તમે યહોવાનું વચન જુઓ. શું હું ઇઝરાયલને માટે વેરાન, તથા ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? મારા લોક કેમ કહે છે, ‘અમે સ્વતંત્ર્ય થયા છીએ; ફરી તારી પાસે આવીશું નહિ?
32 શું કુંવારી પોતાનાં ઘરેણાં અથવા પરણનારી કન્યા પોતાના કમરપટા વીસરે? તોપણ મારા લોક અસંખ્ય દિવસો સુધી મને વીસરી ગયા છે.
33 પ્રેમ શોધવા માટે તું તારો માર્ગ કેવો ઠીકટાક કરે છે! તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તેં તારા પાપી માર્ગો શીખવ્યા છે.
34 વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ બધા ઉપર તે રક્ત છે.
35 તોપણ તેં કહ્યું, ‘હું નિર્દોષ છું; તેનો કોપ મારા પરથી ખચીત ઊતર્યો છે!’ તું કહે છે, ‘મેં પાપ કર્યું નથી, તે માટે, જો, હું તારો ન્યાય કરીશ.
36 તું તારો માર્ગ બદલવા માટે આમતેમ કેમ ભટકે છે? તું આશૂરથી લજ્જિત થયો હતો તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ.
37 તારા માથા પર તારા હાથ રાખીને તું તેની પાસેથી પણ નીકળી જઈશ, કેમ કે જેઓ પર તેં ભરોસો રાખ્યો તેઓને યહોવાએ નાકબૂલ કર્યા છે, ને તેઓથી તું સફળ થઈશ નહિ.