Bible Language

Numbers 21:34 (GUV) Gujarati Old BSI Version

1 અને કનાની રાજા અરાદ જે નેગેબમાં રહેતો હતો તેણે એવી ખબર સાંભળી કે ઇઝરાયલ અથારીમને માર્ગે આવે છે. અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરી, ને તેઓમાંના કેટલાકને પડકી લીધા.
2 અને ઇઝરાયલે યહોવાની આઅગળ માનતા માનીને કહ્યું, “જો તું લોકોને મારા હાથમાં ખચીત સોંપે, તો હું તેઓનાં નગરોનો પૂરો નાશ કરીશ.”
3 અને યહોવાએ ઇઝરાયલની વાણી સાંભળીને કનાનીઓને તેઓના હાથમાં સોંપી દીધા; અને તેઓએ તેઓનો તથા તેઓનાં નગરોનો પૂરો નાશ કર્યો. અને તે જગાનું નામ હોર્મા કહેવાયું.
4 અને તેઓ હોર પર્વતથી સૂફ સમુદ્રને માર્ગે, અદોમ દેશની હદની બહાર રહીને ચકરાવો ખાઈને ચાલ્યા. અને રસ્તા ની લંબાઈ ના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો.
5 અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્‍ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ હલકા અન્‍નથી કંટાળે છે.”
6 અને યહોવાએ લોકોમાં આગિયા સર્પ મોકલ્યા, ને તેઓ લોકોને કરડ્યા; અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા.
7 અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે, તે અમારી પાસેથી સર્પોને દૂર કરે.” અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી.
8 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું એક આગિયો સર્પ બનાવ, ને એક ઝંડા પર તે મૂક; અને એમ થશે કે જે કોઈ દંશાયેલું હોય, તે તેને જોઈને જીવતું રહેશે.”
9 અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો; અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડયો હોય તો તે પિત્તળના સર્પને જોતો એટલે તે જીવતો રહેતો.
10 અને ઇઝરાયલી લોકો આગળ ચાલ્યા, ને તેઓએ ઓબોથમાં છાવણી કરી.
11 અને ઓબોથથી ચાલીને તેઓએ ઈયેઅબારીમમાં છાવણી કરી, તે અરણ્યમાં મોઆબની સામે પૂર્વ બાજુએ છે.
12 ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેદના નીચાણમાં છાવણી કરી.
13 ત્યાંથી તેઓ ચાલ્યા, ને આર્નોનની બીજી બાજુએ છાવણી કરી. અમોરીઓની સરહદથી શરૂ થનારા અરણ્યમાં તે છે. આર્નોન તો મોઆબની સરહદમાં મોઆબ તથા અમોરીઓની વચ્ચે છે.
14 માટે યહોવાના યુદ્ધગ્રન્થમાં શબ્દ કહેલા છે: ‘સૂફાહમાં વાહેબ, તથા આર્નોનની ખીણો,
15 અને આરની વસતી તરફ ઢળતો તથા મોઆબની સરહદ પર અઢેલતો ખીણોનો ઢોળાવ.’
16 અને ત્યાંથી “બએરની પાસે તેઓ આવ્યા. એટલે જે કૂવા સંબંધી યહોવાએ મૂસાને કહ્યું, કે ‘લોકોને એક્ત્ર કરો ને હું તેઓને પાણી આપીશ, તે તે છે.
17 ત્યારે ઇઝરાયલે ગીત ગાયું: ‘હે કૂવા, તારાં ઝરણ ફોડ.
18 જે કૂવો અધિપતિઓએ ખોદ્યો, જે કૂવો નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને ગાયન કરો.’ અને અરણ્યથી તેઓ માત્તના ગયા.
19 અને માત્તાનાથી નાહલિયેલ. અને નાહલિયેલથી બામોથ.
20 અને બામોથથી તેઓ મોઆબની સીમમાંની ખીણમાં પિસ્ગા, જે યસીમોન સામે છે, તેની ટોચે ગયા.
21 અને ઇઝરાયલે અમોરીઓના રાજા સીહોનની પાસે માણસોને મોકલીને કહેવડાવ્યું,
22 “તારા દેશમાં થઈને અમને જવા દે. અમે મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવાડીઓમાં નહિ જઈએ. અમે કૂવાઓનું પાણી નહિ પીએ. અમે તારી સરહદ ઓળંગીએ ત્યાં સુધી રાજમાર્ગે ચાલીશું.”
23 અને સીહોને ઇઝરાયલને પોતાની હદમાં થઈને જવા દીધા નહિ; પણ સીહોન પોતાના સર્વ લોકોને એક્ત્ર કરીને અરણ્યમાં ઇઝરાયલની સામે ગયો, ને તે યાહાસ સુધી આવ્યો; અને ઇઝરાયલની સામે તે લડ્યો.
24 અને ઇઝરાયલે તરવારની ધારથી તેને માર્યો, અને આર્નોનથી યાબ્બોક સુધી, એટલે આમ્મોનપુત્રો ના દેશ સુધી, તેના દેશને કબજે કર્યો; કેમ કે આમ્મોનપુત્રોનો પ્રાંત બળવાન હતો.
25 અને ઇઝરાયલે સર્વ નગર લીધાં:અને ઇઝરાયલે અમોરીઓનાં સર્વ નગરોમાં એટલે હેશ્બોનમાં તથા તેનાં સર્વ ગામોમાં, વાસો કર્યો.
26 કેમ કે અમોરીઓનો સીહોન રાજા કે જેણે મોઆબના આગલા રાજા વિરુદ્ધ લડાઈ કરી હતી, ને આર્નોન સુધી, તેનો આખો દેશ તેના હાથમાંથી લઈ લીધો હતો, તેનું નગર હેશ્બોન હતું.
27 માટે ઉખાણા કહેનારઓ કહે છે. “તમે હેશ્બોન આવો, સીહોનનું નગર બંધાય તથા સ્થપાય.
28 કેમ કે હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી ભડકો, નીકળ્યો છે. તેણે મોઆબના આરને, આર્નોનના ઉચ્ચસ્થાનના ધણીઓને બાળીને ભસ્મ કર્યા છે.
29 રે મોઆબ, તને અફસોસ! રે કમોશની પ્રજા, તારું સત્યાનાશ વળી ગયું છે. પોતાના દિકરાઓને શરણે જતા રહેલા તરીકે, તથા પોતાની દીકરીઓને ગુલામડીઓ તરીકે, તેણે અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધાં છે.
30 અમે તેઓને તીરગોળા માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.”
31 એવી રીતે ઇઝરાયલીઓ અમોરીઓના દેશમાં વસ્યા.
32 અને યાઝેરની જાસૂસી કરવા મૂસાએ માણસોને મોકલ્યા, ને તેઓએ તેનાં નગરો લઈ લીધાં, ને જે અમોરીઓ ત્યાં હતા તેઓને કાઢી મૂક્યા.
33 અને તેઓ વળીને બાશાનને માર્ગે ગયા; અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઈની પાસે યુદ્ધ કરવા માટે તેઓની સામે નીકળી આવ્યા.
34 અને યહોવાએ મૂસાને કહ્યું, “તેનાથી બીતો ના; કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યાં છે. અને તેં હેશ્બોનમાં રહેનાર અમોરીઓના રાજા સીહોનને કર્યું, તેમ તું તેને કર.”
35 તેથી તેઓએ તેને તથ તેના દિકરાઓને તથા તેના સર્વ લોકોને એટલે સુધી માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહિ; અને તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.