Bible Language

3 John 1 (GUV) Gujarati Old BSI Version

1 જેના પર હું સત્યમાં પ્રેમ રાખું છું, તે વહાલા ગાયસ પ્રતિ લખનાર વડીલ.
2 વહાલા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ તથા તંદુરસ્ત રહે.
3 કેમ કે ભાઈઓ આવ્યા ત્યારે તેઓએ તું સત્યમાં ચાલે છે તેવી તારા સત્ય વિષે સાક્ષી આપી, તેથી મને ઘણો આનંદ થયો.
4 જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.
5 વહાલા, ભાઈઓને માટે, હા, પારકા ભાઈઓને માટે પણ, તું જે કંઈ કામ કરે છે તે તું વિશ્વાસ કરનારને યોગ્ય કામ કરે છે.
6 તે ભાઈ ઓએ તારા પ્રેમ વિષે મંડળીની આગળ સાક્ષી પૂરી છે. ઈશ્વર પ્રસન્‍ન થાય એવી રીતે તું તેઓને આગળ વળાવશે તો તું સારું કરશે.
7 કેમ કે તેઓ તેમના નામની ખાતર બહાર નીકળ્યા છે, ને વિદેશીઓ પાસેથી કંઈ લેતા નથી.
8 આપણે સત્ય ફેલાવવામાં તેઓના સહકારીઓ થઈએ, માટે આપણે એવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ.
9 મેં મંડળીને કંઈ લખ્યું, પણ દીયોત્રેફેસ, જે તેઓમાં મુખ્ય થવા ચાહે છે, તે અમારો અંગીકાર કરતો નથી.
10 માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે કામો ને હું યાદ કરાવીશ. તે અમારી વિરુદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે, અને એટલેથી સંતુષ્ટ થઈને, તે પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી. તેમ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.
11 વહાલા, ભૂંડાનું નહિ, પણ સારાનું અનુકરણ કર. જે સારું કરે છે તે ઈશ્વરનો છે; જે ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
12 દેમેત્રિયસ વિષે સર્વ તેમ સત્ય પોતે સાક્ષી પૂરે છે, અને અમે પણ સાક્ષી પૂરીએ છીએ; અને અમારી સાક્ષી ખરી છે તે તું જાણે છે.
13 મારે તારા પર લખવાનું તો ઘણું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા ચાહતો નથી.
14 પણ હું તને જલદી જોવાની આશા રાખું છું, ત્યારે આપણે મોઢામોઢ વાત કરીશું.
15 તને શાંતિ થાઓ. મિત્રો તને ક્ષેમકુશળ કહે છે. દરેકનું નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.