Bible Language

Isaiah 1 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.
2 હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.
3 બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; પણ ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”
4 અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
5 હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો? આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે.
6 પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; ફકત ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.
7 તમારો દેશ ઉજ્જડ થયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે. તમારી જમીન તો પારકાઓ તમારી રૂબરૂ ખાઈ જાય છે, અને પારકાઓએ ખેદાનમેદાન કર્યા જેવી તે ઉજ્જડ થઈ ગઈ છે.
8 સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
9 જો સૈન્યોના ઈશ્વર યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
10 હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ શાસ્ત્ર પ્રત્યે કાન દો.
11 યહોવા કહે છે, “મારી આગળ તમે પુષ્કળ યજ્ઞો કરો છો તે શા કામના? હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.
12 તમે મારું દર્શન કરાવ માટે આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે ખૂંદો છો એમ કરવાને કોણે તમારી પાસે માગ્યું છે?
13 બીજાં વ્યર્થ ખાદ્યાર્પણ લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાઘે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથ તથા સભા ભેગી કરવી, -અન્યાય સાથેનો ધર્મમેળો હું સહન કરી શકતો નથી.
14 તમારાં ચંદ્રદર્શનનાં તથા બીજાં પર્વોથી મારું મન કંટાળે છે. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું.
15 જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.
16 સ્નાન કરો, શુદ્ધ થાઓ, તમારા ભૂંડાં કર્મો મારી આંખ આગળથી દૂર કરો, ભૂંડું કરવું મૂકી દો;
17 સારું કરતાં શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થતાં માણસોનું રક્ષણ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
18 યહોવા કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ:તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તોપણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કીરમજના જેવાં રાતાં હોય, તોપણ તેઓ ઊન સરખાં થશે.
19 જો તમે રાજી થઈને મારું માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;
20 પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે યહોવાના મુખનું વચન છે.”
21 પતિવ્રતા નગરી કેમ વ્યભિચારિણી થઈ ગઈ છે! તે ઇનસાફથી ભરેલી હતી! ન્યાયીપણું તેમાં વસતું, પણ હાલ ઘાતકીઓ વસે છે.
22 તારું રૂપું ભેગવાળું થઈ ગયું છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થએલો છે.
23 તારા સરદારો બળવાખોરો છે, અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંનો દરેક લાંચનો લાલચુ છે, ને નજરાણાં માટે વલખાં મારે છે; તેઓ અનાથને ઇનસાફ આપતા નથી, અને વિધવાની દાદ તેઓ સાંભળતા નથી.
24 તે માટે સૈન્યોના ઈશ્વર યહોવા, ઇઝરાયલના સમર્થ પ્રભુ, એવું કહે છે: “હાશ! મારા શત્રુઓ ઉપર વૈર વાળીને હું સંતોષ પામીશ.
25 તારા પર હું મારો હાથ ઉગામીશ, અને જેમ ક્ષારથી મેલ કપાય છે તેમ તારો મેલ કાઢીશ, તારામાંથી બધો ભેગ હું દૂર કરીશ.
26 આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયનગર, ધર્મપુરી કહેવાશે.
27 સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્ધાર પામશે.
28 પણ દ્રોહીઓનો તથા પાપીઓનો વિનાશ સાથે થશે, યહોવાથી વિમુખ થનાર નાશ પામશે.
29 કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.
30 જે એલોન ઝાડનાં પાંદડાં ખરી પડે છે, ને જે વાડીમાં પાણી નથી, તેના જેવા પમે થશો.
31 વળી જે બળવાન છે તે શણના કચરા જેવો, ને તેનું કામ ચિણગારી જેવું થશે; તે બન્નેને સાથે બાળી નાખવામાં આવશે, ને તેને કોઈ હોલવનાર મળશે નહિ.