Bible Language

Nahum 2 (GUV) Gujarati Old BSI Version

1 પછાડીને ટુકડેટુકડા કરનાર તારી સમક્ષ આવ્યો છે. તારા કોટ સંભાળ, માર્ગની ચોકી રાખ, તારી કમર કસ, ને તારું બળ એકત્ર કર.
2 કેમ કે યહોવા યાકૂબની જાહોજલાલી ઇઝરાયલની જાહોજલાલી જેવી પુન:સ્થાપિત કરે છે; કેમ કે લૂંટનારઓએ તેમને લૂંટી લીધા છે, ને તેમની દ્રાક્ષાની ડાળીઓનો નાશ કર્યો છે.
3 તેના યોદ્ધાઓની ઢાલ રાતી કરવામાં આવી છે, શૂરવીરોએ કિરમજી પોશાક પહેર્યો છે. તેની તૈયારીને દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, ને ભાલાઓ ભયંકર રીતે હલાવવામાં આવે છે.
4 રથો શેરીઓમાં ઘૂમાઘૂમ કરે છે, ચોકોમાં તેઓ એકબીજાની સાથે અથડાય છે; તેમનો દેખાવ મશાલોના જેવો છે, તેઓ વીજળીઓની જેમ દોડે છે.
5 તે પોતાના શૂરવીરોને એક્ત્ર કરીને ગોઠવે છે. તેઓ કૂચ કરતાં ઠોકર ખાય છે. તેઓ તેના કોટ પર ધસે છે, ને આચ્છાદાન તૈયાર કરવામાં આવ્યું છે.
6 નદીઓના દરવાજા ઊઘડ્યા છે, ને મહેલનો નાશ થયો છે.
7 હુસ્સાબને નગ્ન કરવામાં આવી છે, તેનું હરણ થયું છે, તેની દાસીઓ કબૂતરના જેવા સ્વરથી વિલાપ કરે છે, ને છાતી કૂટે છે.
8 પણ નિનવે તો અસલથી પાણીના સરોવર જેવું છે; તો પણ તેઓ નાસી જાય છે; તેઓ કહે છે, “ઊભા રહો, ઊભા રહો;” કોઈ પાછું ફરીને જોતું નથી.
9 તમે રૂપું લૂંટી લો, સોનું લૂંટી લો, માલ ખજાનાનો પાર નથી, સરસામાનની કિંમતી વસ્તુઓનો અખૂટ ભંડાર છે!
10 નિનવે ખાલી, ઠાલી ને ઉજ્જડ છે. હૈયું ફાટી જાય છે, ને ઘૂંટણો એકબીજાની સાથે અફળાય છે, ને સર્વની કમરોમાં વેદના થાય છે, ને તે સર્વનઅ ચહેરા ફીકા પડી ગયા છે.
11 જ્યાં સિંહ ને સિંહણ તથા સિંહના બચ્ચાં ફરતાં હતાં ને તેઓને બીવડાવનાર કોઈ નહોતું તે સિંહોનું બિલ તથા જે જગાએ જુવાન સિંહો ભક્ષ કરતા હતા તે જગા ક્યાં છે?
12 સિંહ પોતાના બચ્ચાંને માટે જોઈએ તેટલાં જાનવરો ફાડી નાખતો, ને પોતાની સિંહણોને માટે ગળાં પડકીને મારી નાખતો, ને પોતાનાં કોતરો શિકારોથી તથા પોતાનાં બિલો મારી નાખેલાં જાનવરો થી ભરતો
13 સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”