Bible Language

Zephaniah 1 (GUV) Gujarati Old BSI Version

1 યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યાને યહોવાનું વચન પ્રમાણે પ્રાપ્ત થયું.
2 યહોવા કહે છે, “પૃથ્વીની સપાટી પરથી સર્વ વસ્તુઓનો હું સંપૂર્ણ સંહાર કરીશ.
3 મનુષ્યનો તેમ જાનવરનો હું સંહાર કરીશ. ખેચર પક્ષીઓનો તથા સમુદ્રનાં માછલાંનો, તેમ દુષ્ટોની સાથે ઠોકર ખવડાવનારી વસ્તુઓનો હું સંહાર કરીશ; અને પૃથ્વીની સપાટી પરથી હું મનુષ્યને નષ્ટ કરીશ, એવું યહોવા કહે છે”
4 “હું મારો હાથ યહૂદિયા પર તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પર લંબાવીશ. હું બાઆલના શેષને, ને કમારીમના નામને તથા તેમના યાજકોને નષ્ટ કરીશ;
5 અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને નામે પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;
6 તથા યહોવાનું અનુસરણ કરતાં તેમનાથી વિમુખ થયેલાઓને, અને જેઓએ યહોવાની શોધ કરી નથી કે, તેમની સલાહ પૂછી નથી તેઓને હું નષ્ટ કરીશ.”
7 “પ્રભુ યહોવાની સમક્ષ ચૂપ રહે, કેમ કે યહોવાનો દિવસ પાસે છે; કેમ કે યહોવાએ યજ્ઞ તૈયાર કર્યો છે. તેમણે પોતાના પરોણાઓને પાવન કર્યા છે.
8 યહોવાના યજ્ઞને દિવસે હું અમલદારોને, રાજકુમારોને તથા પરદેશી વસ્ત્ર પહેરેલા સર્વને શિક્ષા કરીશ.
9 જેઓ ઉંબરાઓ કૂદી જઈને જોરજુલમથી અને ઠગાઈથી પોતાના ધણીનું ઘર ભરે છે તે સર્વને હું તે દિવસે શિક્ષા કરીશ.”
10 વળી યહોવા કહે છે, “તે દિવસે મચ્છી દરવાજે પોકાર થશે, બીજા મહોલ્લામાં પોક મુકાશે, તથા ડુંગરોમાંથી મોટા કડાકા સંભળાશે.
11 હે માખ્તેશના રહેવાસીઓ, તમે પોક મૂકો, કેમ કે તમામ વેપારીવર્ગનું સત્યાનાશ વળ્યું છે. કૃપાથી લાદેલા સર્વનો સંહાર થયો છે.
12 તે સમયે હું બત્તીઓ રાખીને યરુશાલેમની ઝડતી લઈશ. અને જે માણસો દ્રાક્ષારસના ઠરી ગયેલા રગડાની જેમ એશઆરામ ભોગવીને પોતાના મનમાં કહે છે, ‘યહોવા તો ભલું નહિ કરે તેમ ભૂંડુંયે નહિ કરે, તેઓને હું શિક્ષા કરીશ.
13 તેમનું ધન લૂંટાઈ જશે, ને તેમનાં ઘરો ઉજ્જડ થઈ જશે. હા, તેઓ ઘરો બાંધશે, પણ તેઓમાં રહેવા પામશે નહિ. તેઓ‍દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ પોતે તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.”
14 યહોવાનો મહાન દિવસ નજીક છે, તે નજીક છે, ને બહુ ઝડપથી આવે છે. યહોવાના દિવસનો સ્વર સંભળાય છે. તે વખતે બળવાન માણસ પોક મૂકીને રડે છે.
15 તે દિવસે કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ,
16 કોટવાળાં નગરો વિરુદ્ધ તથા ઊંચા બુરજો વિરુદ્ધ રણશિંગડાનો તથા ભયસૂચક નાદનો દિવસ છે.
17 પ્રભુ કહે છે, “હું માણસો ઉપર એવું સંકટ લાવીશ કે, તેઓ આંધળા માણસોની જેમ ચાલશે, કેમ કે તેઓએ યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને તેમનું રક્ત ધૂળની જેમ વહેવડાવવામાં આવશે, તથા તેમનું માંસ વિષ્ટાની જેમ ફેંકી દેવામાં આવશે.
18 યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના ક્રોધના આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”