Bible Language

Exodus 11 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તી લાવીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે. જ્યારે તે તમને જવા દેશે, ત્યારે નિશ્ચે તે તમને સમૂળગા અહીંથી હાંકી કાઢશે.
2 હવે લોકોના કાનમાં કહે કે, પ્રત્યેક પુરુષ તેના પડોશી પાસેથી, તથા પ્રત્યેક સ્‍ત્રી તેની પડોશણ પાસેથી રૂપાનાં આભૂષણ તથા સોનાનાં ઘરેણાં માંગી લે.”
3 અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં તે લોક ઉપર કૃપા કરાવી. વળી મિસર દેશમાં એટલે ફારુનના સેવકોની નજરમાં તથા લોકોની નજરમાં મૂસા ઘણો મોટો માણસ મનાયો.
4 અને મૂસાએ કહ્યું, “યહોવા એમ કહે છે કે, હું મધરાતે નીકળીને મિસરમાં ફરીશ.
5 અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત, એટલે રાજ્યાસન પર બિરાજમાન ફારુનના પ્રથમજનિત સુધી, માર્યા જશે.
6 અને આખા મિસર દેશમાં એવી ભારે રોકકળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી.
7 પણ ઇઝરાયલી લોકોના કોઈ પણ મનુષ્ય કે જાનવર સામે કૂતરા સરખો પણ જીભ હલાવશે નહિ; માટે કે તમે જાણો કે યહોવા મિસરીઓ તથા ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખે છે.
8 અને સર્વ તારા દાસો મારી પાસે આવીને મને પગે લાગીને કહેશે કે, તું તથા તારા તાબાના લોકો જતા રહો. અને ત્યાર પછી હું તો જવાનો.” અને તે ક્રોધથી તપી જઈને ફારુનની પાસેથી બહાર નીકળી ગયો.
9 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન તમારું સાંભળશે નહિ. માટે કે મારા ચમત્કારો મિસર દેશમાં વત્તા થાય.”
10 અને મૂસા તથા હારુને સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.