Bible Language

Isaiah 15 (GUV) Gujarati Old BSI Version

1 મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.
2 દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;
3 બધા શોકની કંથા પહેરીને રસ્તા પર ફરે છે. અને છાપરે ચડીને ચોરેચૌટે આક્રંદ અને રોકકળ કરે છે, અને પોક મૂકીને આંસુ સારે છે.
4 વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.
5 મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે! ત્યાંના લોકો સોઆર અને એગ્લાથ-શલીશિયા ભાગી ગયા છે. તેઓ રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચઢે છે, હોરોનાયિમને રસ્તે તેઓ હૈયાફાટ રૂદન કરે છે.
6 નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય થાય છે; ઘાસ સુકાઇ ગયું છે. તૃણ સમાપ્ત થઇ ગયું છે. લીલોતરીનું નામોનિશાન નથી.
7 આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે તે લઇને વેલવાળી ખીણની સામે પાર ચાલ્યા જાય છે.
8 કારણ કે સીમની આસપાસ રૂદનનો અવાજ પહોંચી ગયો છે; તેના આક્રંદના પડઘા એગ્લાઇમ અને બએર-એલીમ સુધી સંભળાય છે.
9 દીમોનમાં પાણી લોહી લોહી થઇ ગયા છે, તેમ છતાં દેવ દીમોનને માથે હજી મોટી આફત ઉતારશે; મોઆબના જે થોડા લોકો બચી ગયા છે તેમના પર એક સિંહ ત્રાટકશે.