Bible Versions
Bible Books

1 John 4 (GUV) Gujarati Old BSI Version

1 વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ રાખો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહિ વિષે તેઓને પારખી જુઓ. કેમ કે જગતમાં જૂઠાં પ્રબોધકો ઘણાં નીકળ્યા છે.
2 ઈસુ ખ્રિસ્ત મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર પાસેથી છે; એથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો.
3 જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે ઈશ્વર પાસેથી નથી. અને ખ્રિસ્તવિરોધીના જે આત્મા વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે છે. અને તે હમણાં પણ જગતમાં છે.
4 બાળકો, તમે ઈશ્વરનાં છો, ને તમે તેઓને જીત્યા છે; કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે.
5 તેઓ જગતના છે; તેથી તેઓ જગત સંબંધી બોલે છે, અને જગત તેઓનું સાંભળે છે.
6 આપણે ઈશ્વરનાં છીએ:જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ.
7 વહાલાંઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે. અને જે પ્રેમ કરે છે તે દરેક ઈશ્વરથી જન્મેલો છે, અને ઈશ્વરને ઓળખે છે.
8 જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી:કેમ કે ઈશ્વર પ્રેમ છે.
9 ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે, આપણે તેમનાથી જીવીએ, પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો.
10 આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.
11 વહાલાંઓ, જો ઈશ્વરે આપણા પર એવો પ્રેમ રાખ્યો, તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ.
12 કોઈએ ઈશ્વરને કદી જોયા નથી! જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે.
13 આપણે તેમનામાં રહીએ છીએ, ને તે આપણામાં રહે છે, તે પરથી આપણે જાણીએ છીએ કે તેમણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે.
14 અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે, પિતાએ પુત્રને જગતના તારનાર થવા મોકલ્યા છે.
15 ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે, તેનામાં ઈશ્વર રહે છે તથા તે ઈશ્વરમાં રહે છે.
16 ઈશ્વરનો જે‍ પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ, અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે; અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે.
17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમ કે જેવા તે છે, તેવા આપણે જગતમાં છીએ.
18 પ્રેમમાં ભય નથી; પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે; અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.
19 આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.
20 જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ રાખું છું” પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી.
21 જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×