Bible Versions
Bible Books

Micah 6 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા જે કહે છે તે હવે તમે સાંભળો:“ઊઠો, પર્વતોની આગળ ફરિયાદ રજૂ કરો, ને ડુંગરોને તમારો અવાજ સંભળાવો.”
2 હે પર્વતો તથા પૃથ્વીના અચળ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો; કેમ કે યહોવાને પોતાના લોકોની સામે ફરિયાદ છે. તે ઇઝરાયલની સાથે વાદવિવાદ ચલાવશે.
3 “હે મારી પ્રજા, મેં તને શું કર્યું છે? મેં તને કઈ બાબતમાં કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દે.
4 કેમ કે હું તો તને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ને બંદીખાનામાંથી મેં તને છોડાવ્યો. મેં તારી આગળ મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.
5 હે મારા લોકો, તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું તે યાદ કરો. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”
6 હું શું લઈને યહોવાની હજૂરમાં આવું, ને મહાન ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહનીયાર્પણો લઈને, એક વરસના વાછરડાને લઈને તેમની આગળ આવું?
7 શું હજારો ઘેટાઓથી કે તેલથી હજારો નદીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમજનિતનું બલિદાન આપું, મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પન કરું?
8 હે મનુષ્ય, સારું શું છે તે પ્રભુએ તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો, તથા તારા ઈશ્વરની સાથે નમ્રતાથી ચાલવું, સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે?
9 યહોવા નગરને હાંક માટે છે. જે કોઈ જ્ઞાની છે તે તારા નામથી બીશે. સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ.
10 શું દુષ્ટતાથી પ્રાપ્ત કરેલા ખજાના તથા ધિક્કારપાત્ર ખોટાં માપ દુષ્ટના ઘરમાં હજીપણ છે?
11 શું ખોટાં ત્રાજવાં રાખીને ઠગાઈ ભરેલાં કાટલાંની કોથળી રાખીને, હું પવિત્ર હોઈ શકું?
12 કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે. તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે, ને તેમનાં મોંમાં કપટી જીભ છે.
13 તે માટે મેં પણ તને ભારે ઘા માર્યા છે. તારાં પાપને લીધે મેં તને ખેદાનમેદાન કરી નાખ્યો છે.
14 તું ખાશે, પણ તૃપ્ત થશે નહિ; અને તારામાં કંગાલિયત રહેશે. તું ઉઠાવી લેશે, પણ તે તારાથી સહીસલામત લઈ જવાશે નહિ. જે તું લઈ જશે તે હું તરવારને સ્વાધીન કરીશ.
15 તું વાવશે, પણ કાપણી કરવા પામશે નહિ. તું જૈતફળો પીલશે, પણ તારે અંગે તેલ ચોપડવા પામશે નહિ. તું દ્રાક્ષાને પીલશે, પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.
16 કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો હોવાનું મહેણું સાંભળવું પડશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×