1 હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું.
2 તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી.
3 તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.”
4 આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ તે બધા એક જ આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે.
5 સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે.
6 અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે, પરંતુ આ બધી જ રીતો એ એક જ દેવની છે. આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ.
7 દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે.
8 આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. જ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે.
9 આ જ આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે. અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે.
10 આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે.
11 તે એક જ આત્મા આ બધી પ્રકિયા કરે છે. આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે.
12 એક વ્યક્તિનું શરીર તો એક જ છે, પરંતુ તેના અવયવો ઘણા છે. હા, શરીરને ઘણા અવયવો છે, પરંતુ બધાજ અવયવો ફક્ત એક જ શરીરને ઘડે છે. ખ્રિસ્ત પણ તે પ્રમાણે જ છે:
13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.
14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે.
15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી.
16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી.
17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત.
18 This verse may not be a part of this translation
19 This verse may not be a part of this translation
20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે.
21 આંખ હાથને નથી કહી શકતી કે મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.”
22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે.
23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ.
24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે.
25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે.
26 જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.
27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો.
28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે.
29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી.
30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા.
31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.