Bible Versions
Bible Books

1 Kings 19:17 (GUV) Gujarati Old BSI Version

1 અને એલિયાએ જે સર્વ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે બધા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું,
2 ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે સમય સુધીમાં. હું તારા જીવને પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”
3 તેણે તે જોયું, ત્યારે તે ઊઠીને પોતાનો જીવ લઈને નાઠો, ને યહૂદિયાના બેર-શેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો.
4 પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”
5 પછી તે રોતેમવૃક્ષ નીચે સૂતો ને ઊંઘી ગયો, અને જુઓ, એક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠીને ખા.”
6 તેણે જોયું, તો જુઓ, તેના ઓશીકા પાસે અંગારા પર શેકેલી રોટલી, તથા પાણીનો ચંબુ હતાં. તે ખાઈ પીને ફરીથી સૂતો.
7 યહોવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો, ને કહ્યું, “ઊઠીને ખા; કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે.”
8 તેણે ઊઠીને ખાધું તથા પીધું, ને તે ખોરાકના પ્રતાપથી તે ચાળીસ દિવસને ચાળીસ રાત ચાલીને ઈશ્વરના પર્વત “હોરેબ પર પહોંચ્યો.
9 તેણે ત્યાં એક ગુફામાં જઈને ઉતારો કર્યો. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું, ને તેણે એલિયાને પૂછયું, “એલિયા, તું અત્રે શું કરે છે?”
10 તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી આસ્થા ચઢી છે. કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને પાડી નાખી છે, ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો બચી રહ્યો છું. અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”
11 યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ થયો; પણ ધરતીકંપમાં યહોવા નહોતા.
12 અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો, પણ તે અગ્નિમાં યહોવા નહોતા. અને અગ્નિ પછી એક કોમળ ઝીણો સાદ સંભળાયો.
13 એલિયાએ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનું મુખ પોતાના ઝબ્બાથી ઢાંકીને તે બહાર નીકળ્યો, ને ગુફાના મોં આગળ ઊભો રહ્યો. અને જુઓ, તેની પાસે એક એવો સાદ આવ્યો, “એલિયા, તું અહી શું કરે છે?”
14 તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી આસ્થા ચઢી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને પાડી નાખી છે. ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો બચી રહ્યો છું, અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”
15 યહોવાએ તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.
16 અને નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને અબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગાએ પ્રબોધક ઠરાવજે.
17 અને એમ થશે કે હઝાએલની તરવારથી જે બચી જશે તેને યેહૂ મારી નાખશે, અને યેહૂની તરવારથી જે બચી જશે તેને એલિશા મારી નાખશે.
18 તોપણ હું મારે માટે ઇઝરાયલમાં એવા સાત હજારને બચાવીશ કે જે સર્વના ઘૂંટણ બાલની આગળ કદી નમ્યાં નથી, ને જેઓમાંના કોઈના મુખે તેને ચુંબન કર્યું નથી”
19 પછી એલિયા ત્યાથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલિશા તેને ખેતર ખેડતો મળ્યો. એની આગળ બાર જોડ બળદ હતા. ને પોતે બાર જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.
20 તે બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો, ને કહ્યું, “કૃપા કરીને મને મારા પિતાને તથા મારી માને ચુંબન કરવા જવા દો, ને પછી હું તમારી પાછળ આવીશ.” એલિયાએ તેને કહ્યું, “ભલે, પાછો જા; કેમ કે મેં તને શું કર્યું છે?”
21 એટલે એલિશા તેની પાછળ; જતાં પાછો ફર્યો, ને તેણે બળદની એક જોડ લઈને તેમનો વધ કર્યો. અને બળદના સામાનથી તેમનું માસ બાફીને લોકોને પીરસ્યું, ને તેઓએ તે ખાધું. પછી તે ઊઠીને એલિયાની પાછળ ગયો, ને એની સેવાચાકરી કરી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×