Bible Versions
Bible Books

Daniel 11:6 (GUV) Gujarati Old BSI Version

1 માદી દાર્યાવેશને પહેલે વર્ષે હું તો તેને ર્દઢ તથા, મજબૂત કરવા માટે ઊભો થયો.
2 હવે હું તને સત્ય બતાવીશ. જુઓ, હવે પછી ઈરાનમાં ત્રણ રાજાઓ ઊભા થશે, અને ચોથો બધા કરતાં ઘણો દ્રવ્યવાન થશે, તે પોતાના દ્રવ્ય વડે બળવાન થઈને યાવાન ગ્રીસના રાજ્યની વિરુદ્ધ બધાને ઉશ્કેરશે.
3 એક પરાક્રમી રાજા ઊભો થશે, તે મહા પ્રતાપથી રાજ ચલાવશે, ને પોતાની મરજી પ્રમાણે કરશે.
4 જ્યારે તે ઊભો થશેત્યારે તેનું રાજ્ય ભાંગી પડશે, ને આકાશના ચાર વાયુ તરફ તેના વિભાગ પડી જશે; પણ તે રાજ્ય તેના સંતાનને મળશે નહિ, તેમ જે પદ્ધતિથી તે રાજ કરતો હતો તે રાજપદ્ધતિ પ્રમાણે રાજ્ય ચાલશે નહિ, કેમ કે તેનું રાજ્ય ઉખેડી નાખવામાં આવશે, ને તેઓ સિવાય બીજાઓને મળશે.
5 દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને હકૂમત ભોગવશે; તેની હકૂમત મહાન થશે.
6 કેટલાંક વર્ષો પછી તેઓ ભેગા થઈને સંપ કરશે. દક્ષિણના રાજાની દીકરી ઉત્તરના રાજા પાસે કોલકરાર કરવાને આવશે. પણ તેના હાથનું બળ તેનાથી રાખી શકાશે નહિ, અને તે તથા તેનો હાથ પણ ટકી શકશે નહિ; પણ તે તથા તેને લાવનારાઓ તથા તેને જન્મ આપનાર તથા તે સમયોમાં તેને બળ આપનાર, સર્વને દુશ્મનોને હવાલે કરવામાં આવશે.
7 પણ તેની જડમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે કે જે સૈન્યમાં આવશે, ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે.
8 વળી તે તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને તથા તેઓનાં સોનારૂપાનાં સારાં સારાં પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે; અને તે ઉત્તરના રાજા પર કેટલાંક વર્ષો સુધી ચઢાઈ કરશે નહિ.
9 તે દક્ષિણના રાજાના રાજ્યમાં આવશે, પણ તે પોતાના દેશમાં પાછો જશે.
10 તેના દીકરાઓ યુદ્ધ કરશે, ને મોટાં સૈન્યો ભેગાં કરશે, ને તેમાંનો એક ઘસી આવશે, ને રેલની જેમ ફરી વળીને દેશને છેડેથી પેલે છેડે જશે. અને તે પાછો આવીને છેક ઼તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે.
11 પછી દક્ષિણનો રાજા ક્રોધાયમાન થઈને ચઢી આવશે, ને તેની સાથે, એટલે ઉત્તરના રાજાની સાથે યુદ્ધ કરશે. તે એક મોટું લશ્કર ઊભું કરશે, ને તે લશ્કર તેના હાથમાં સોંપવામાં આવશે.
12 તે લશ્કને લઈ જવામાં આવશે, ને તેનું હ્રદય ગર્વિષ્ઠ થશે. અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહિ.
13 ત્યાર પછી ઉત્તરનો રાજા પાછો આવીને આગળના કરતાં મોટું લશ્કર ભેગું કરશે, અને કેટલાક કાલ પછી, એટલે કેટલાંક વર્ષો પછી, તે એક મોટું સૈન્ય તથા ઘણું દ્રવ્ય લઈને ઘસી આવશે.
14 તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઊભા થશે. વળી તારા લોકોમાંના તોફાનીઓ પણ સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ માર્યા જશે.
15 તેથી ઉત્તરનો રાજા આવશે, ને મોરચા ઉઠાવીને કિલ્લાવાળાં નગરોને જીતી લેશે. દક્ષિણના રાજાનાં લશ્કરો, તેમ તેના પસંદ કરેલા સૈનિકો તેની સામે ટકી શકશે નહિ, તેમ ટક્કર લેવાની કંઈ પણ શક્તિ રહેશે નહિ.
16 પણ તેની સામે આવનાર પોતાની મરજી પ્રમાણે કરશે, ને તેની સામે કોઈ ટકશે નહિ. અને તે રળિયામણા દેશમાં ઊભો રહેશે, ને તે તેના હાથમાં આવશે.
17 પછી પોતાના આખા રાજ્યના બળસહિત તથા વાજબી શરતો લઈને, તે આવવાનો નિશ્ચય કરશે, અને તે પોતાની મરજી પ્રમાણે કરશે. અને તે તેને માટે આપશે કે, તે તેનો નાશ કરે. પણ તેની મુરાદ બર આવવાની નથી.
18 પછી તે ટાપુઓ તરફ નજર કરશે, ને તેમાંના ઘણા લઈ લેશે. તેણે કરેલું અપમાન એક સરદાર દૂર કરશે. હા, બલકે તેણે કરેલું અપમાન પાછું વાળીને તેને શિર તે નાખશે.
19 પછી તે પોતાનું મુખ પોતના દેશના કિલ્લાઓ તરફ ફેરવશે, પણ તે ઠેસ ખાઈને પડી જશે, ને તે ફરીથી જડશે નહિ.
20 પછી તેની જગાએ એક એવો ઊભો થશે કે જુલમથી કર લેનારને પ્રતાપી રાજ્યમાં સર્વત્ર ફેરવશે; પણ થોડા દિવસોમાં તે નાશ પામશે, ને તે વળી ક્રોધથી નહિ, તેમ લડાઈથી પણ નહિ.
21 તેની જગાએ એક તિરસ્કારપાત્ર પુરુષ ઊભો થશે કે, જેને રાજ્યપદ આપવામાં આવ્યું નહોતું. પણ તે નિર્ભય વખતમાં આવીને ખુશામતથી રાજ્ય પ્રાપ્ત કરશે.
22 તેની આગળથી લોકો રેલના જેવા બળથી ઘસડાઈ જશે, ને ખેદાનમેદાન થશે, હા, તેના કરારમાં દાખલ થયેલો સરદાર પણ નાશ પામશે.
23 તેની સાથે સંપ કર્યા પછી તે કપટ કરશે; કેમ કે તે ચઢી આવશે, ને તેની પ્રજા નાની છતાં તે બળવાન થશે.
24 તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે; અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે; અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે.
25 મોટી ફોજ લઈને દક્ષિણના રાજા ઉપર ચઢાઈ કરવાને તેનામાં બળ તથા હિમ્મત આવશે. દક્ષિણનો રાજા પણ અતિશય મોટું તથા પરાક્રમી સૈન્ય લઈને તેની સામે યુદ્ધ મચાવશે; પણ તે પણ ટકશે નહિ, કેમ કે તેઓ તેની સામે કાવતરાં કરશે.
26 હા, તેનું અન્‍ન ખાનારાઓ તેનો નાશ કરશે, ને તેનું સૈન્ય ઘસડાઈ જશે; અને ઘણા માર્યા જશે.
27 બન્‍ને રાજાઓના મનમાં ઉપદ્રવ કરવાનો વિચાર હશે, એક મેજ પર બેસીને તેઓ જૂઠું બોલશે, પણ તેમાં તેઓ ફાવશે નહિ, કેમ કે તેનો અંત ઠરાવેલે સમયે આવશે.
28 પછી તે પુષ્કળ દ્રવ્ય લઈને પોતાને દેશ પાછો જશે; અને તેનું અંત:કરણ પવિત્ર કરારની વિરુદ્ધ રહેશે; અને તે પોતાની મરજી પ્રમાણે કરીને તેના પોતાના દેશમાં પાછો જશે.
29 ઠરાવેલે વખતે તે પાછો ફરીને દક્ષિણમાં આવશે; પણ અગાઉ જેમ થયું તેમ તે વખતે થશે નહિ.
30 કેમ કે કિત્તીમનાં વહાણો તેની વિરુદ્ધ આવશે. તેથી તે નિરાશ થઈને પાછો જશે, ને પવિત્ર કરાર વિરુદ્ધ તેને ક્રોધ ચઢશે, ને તે પોતાની મરજી પ્રમાણે કરશે; હા, તે પાછો જશે ને પવિત્ર કરારનો ત્યાગ કરનારાઓ પર મહેરબાની રાખશે.
31 તેની તરફથી લશ્કરો ઊભાં થશે, ને તેઓ પવિત્રસ્થાનને, એટલે કિલ્લાને વટાળશે, ને નિત્યનું દહનીયાર્પણ લઈ લેશે, ને તેઓ વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તું ત્યાં ઊભી કરશે.
32 વળી કરારની વિરુદ્ધ દુષ્કર્મ કરનારાઓને તે ખુશામતથી ધર્મભ્રષ્ટ કરશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો બળવાન થશે. ને પરાક્રમી કામો કરશે.
33 લોકોમાં જેઓ જ્ઞાની હશે તેઓ ઘણાઓને શિખવશે; તોપણ તેઓ ઘણા દિવસો સુધી તરવારથી માર્યા જશે, તેઓને બાળી નાખવામાં આવશે, ગુલામગીરીમાં લઈ જવામાં આવશે તથા લૂટી લેવામાં આવશે.
34 હવે, જ્યારે તેઓ દુર્દશામાં આવી પડશે, ત્યારે તેઓને થોડીઘણી સહાય કરવામાં આવશે; પણ ઘણાઓ ખુશામત કરીને તેઓની સાથે જોડાશે.
35 સુજ્ઞોમાંના કેટલાક તેઓને પવિત્ર કરવા માટે તથા શુદ્ધ કરવા માટે તથા તેમને શ્વેત કરવા માટે, છેક અંતના સમય સુધી પ્રયત્ન કરતાં નાશ પામશે; કેમ કે ઠરાવેલો વખત હજુ આવનાર છે.
36 રાજા પોતાની મરજી પ્રમાણે કરશે. તે ગર્વ કરશે ને તે પોતાને દરેક દેવ કરતાં મોટો ગણશે, ને દેવોના દેવની વિરુદ્ધ આશ્ચર્યકારક વાતો બોલશે; અને ક્રોધ પૂરો થતાં સુધી તે આબાદ થશે, કેમ કે જે નિર્માણ થયેલું છે તે પૂરું કરવામાં આવશે.
37 તે પોતાના પૂર્વજોના દેવોને કે આમ્મૂઝ દેવીને કે કોઈ પણ બીજા દેવને ગણકારશે નહિ; કેમ કે તે પોતાને સર્વ કરતાં મોટો ગણશે.
38 પણ તેને બદલે તે કિલ્લાઓના દેવનું સન્માન કરશે; અને જે દેવને તેના પૂર્વજો ઓળખતા નહોતા તેને તે સોનારૂપાથી, મૂલ્યવાન હીરામાણેકથી તથા મનોહર વસ્તુઓથી માન આપશે.
39 પારકા દેવની સહાયથી તે સૌથી મજબૂત કિલ્લાઓને જીતી લેશે. જેઓ તેની આણ સ્વીકારશે તેઓને તે વધારે માનવંત હોદ્દે ચઢાવશે; અને તેઓને ઘણા લોકો ઉપર અધિકારી બનાવશે, અને મૂલ્યવાન લઈને જમીન વેચશે.
40 આખરને સમયે, દક્ષિણનો રાજા તેની સામે થશે; અને ઉત્તરનો રાજા રથો તથા સવારો તથા વહાણોનો કાફલો લઈને તેના પર વંટોળિયાની માફક ઘસી આવશે. તે તેના દેશોમાં પ્રવેશ કરશે, ને રેલની જેમ સર્વત્ર ફરી વળીને સામી બાજુએ નીકળી જશે.
41 તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે, ને ઘણા દેશો પાયમાલ થઈ જશે. પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓનો ઘણોખરો ભાગ તેના હાથમાંથી બચી જશે.
42 વળી દેશો પર પણ તે પોતાનો હાથ લંબાવશે; મિસર દેશ પણ બચી નહિ જશે.
43 પણ સોનારૂપાના ભંડારો તથા મિસરની સર્વ મૂલ્યવાન વસ્તુઓ તેના હાથમાં આવશે; અને લુબ્બીઓ તથા કૂશીઓ તેને પગલે ચાલશે.
44 પણ પૂર્વ તથા ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે; અને ઘણાઓનો નાશ કરવાને તથા તેઓનો સંહાર કરવાને તે ઘણા ક્રોધાવેશમાં ચાલી નીકળશે.
45 સમુદ્ર તથા રળિયામણા પવિત્ર પર્વતની વચ્ચે તે પોતાના પાદશાહી તંબુઓ મારશે; તોપણ તેનો અંત આવશે, ને તેને કોઈ સહાય કરશે નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×