Bible Versions
Bible Books

Genesis 41:28 (GUV) Gujarati Old BSI Version

1 અને બે વર્ષ પછી એમ થયું કે ફારુનને સ્વપ્ન આવ્યું; અને જુઓ, તે નદીની પાસે ઊભો હતો.
2 અને સુંદર તથા પુષ્ટ એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ ના બીડ માં ચરી.
3 અને તેઓની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી.
4 અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પુષ્ટ ગાયને ગળી ગઈ એટલામાં ફારુન જાગી ઊઠયો.
5 અને તે ઊંઘી ગયો, ને તેને બીજું સ્વપ્ન આવ્યું:અને જુઓ, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા સારાં એવા સાત કણસલાં આવ્યાં.
6 અને તેઓની પાછળ હલકાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.
7 અને હલકાં કણસલાં પેલાં સાત પાકાં તથા ભરેલાં કણસલાંને ગળી ગયાં. અને ફારુન જાગી ઊઠયો, તો જુઓ, તો સ્વપ્ન હતું.
8 અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; અને તેણે મિસરના સર્વ શાસ્‍ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; અને ફારુને તેઓને પોતાનાં સ્વપ્નો કહી સંભળાવ્યાં; પણ તેઓમાંનો કોઈ પણ ફારુનને તેનાં સ્વપ્નનો અર્થ કહી શકયો નહિ.
9 અને મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, “આજ મને મારો અપરાધ યાદ આવે છે.
10 ફારુનને પોતના દાસો પર ક્રોધ ચઢયો હતો, ને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં, કેદ કર્યા હતા.
11 અને એક રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું.
12 અને એક હિબ્રૂ જુવાન, જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો, તે ત્યાં અમારી સાથે હતો; તેને અમે કહ્યું, ને તેણે અમારાં સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો.
13 અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને એને ફાંસી આપી.”
14 અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો.
15 અને ફારુને યૂસફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી. અને મેં તારા વિષે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે.”
16 અને યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, “હું તો નહિ; પણ ઈશ્વર ફારુનને શાંતિકારક ઉત્તર આપશે.”
17 અને ફારુને યૂસફને કહ્યું, “જુઓ, હું મારા સ્વપ્નમાં નદીને કાંઠે ઊભો હતો:
18 અને જુઓ, પુષ્ટ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટ ના બીડમાં ચરતી હતી.
19 અને જુઓ, તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી.
20 અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ.
21 અને તેઓ તેઓને ગળી ગઈ, તોપણ તેઓ તેઓને ગળી ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાંની જેમ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.
22 અને મારા સ્વપ્નમાં મેં જોયું, ને જુઓ, એક સાંઠા પર ભરાયેલાં તથા સારાં એવાં સાત કણસલાં નીકળ્યાં.
23 અને જુઓ, તેઓની પાછળ સુકાયેલાં તથા હલકાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં નીકળ્યાં.
24 અને તે હલકાં કણસલાં પેલાં સાત સારાં કણસલાંને ગળી ગયાં. અને મેં જાદુગરોને કહ્યું; પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહિ.”
25 અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે.
26 પેલી સાત સારી ગાય સાત વર્ષ છે. અને સાત સારાં કણસલાં સાત વર્ષ છે: સ્વપ્ન એક છે.
27 અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે. અને દાણા વગરનાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળના સાત વર્ષ થશે.
28 જે વાત મેં ફારુનને કહી તે છે: ઈશ્વર જે કરવાના છે તે તેમણે ફારુનને બતાવ્યું છે.
29 જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.
30 અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે.
31 અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહિ; કેમ કે તે બહુ ભારે થશે.
32 અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે માટે કે ઈશ્વરે વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી વારમાં પૂરી કરશે.
33 તે માટે હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો.
34 ફારુને એમ કરવું:દેશ પર ઉપરીઓ ઠરાવવા, ને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન દેશનો પાંચમો ભાગ લેવો.
35 અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
36 અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે, દુકાળથી દેશનો નાશ થાય.”
37 અને તે વાત ફારુનને તથા તેના સર્વ દાસોને સારી લાગી.
38 અને ફારુને તેના દાસોને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા હોય, એવો આના જેવો શું કોઈ માણસને મળે?”
39 અને ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે સર્વ તને બતાવ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા ની બીજો કોઈ નથી.
40 તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.”
41 અને ફારુને યૂસફને કહ્યું, “જો, મે તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે.”
42 અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્‍ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.
43 અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડયો; અને ‘ઘૂંટણ ટેકવો’ એવી તેની આગળ તેઓએ છડી પોકારી:અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો.
44 અને ફારુને યૂસફને યૂસફને કહ્યું, “હું ફારુન છું, ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ.”
45 અને ફારુને યૂસફનું નામ સાફનાથપાનેઆ પાડયું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. અને યૂસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.
46 અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.
47 અને પુષ્કળતાનાં સાત વર્ષમાં જમીનમાંથી ખોબેખોબા પાક્યું.
48 અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું બધું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે નગરમાં ભરી રાખ્યું.
49 અને યૂસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્‍ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમ કે તે બેસુમાર હતું.
50 અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા.
51 અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ મનાશ્શા પાડયું; કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”
52 અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે તેણે કહ્યું, “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”
53 અને મિસર દેશમાં પુષ્કળતાનાં જે સાત વર્ષ આવ્યા હતાં તે વીતી ગયાં.
54 અને યૂસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્‍ન હતું.
55 અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને તે તમને કહે તે કરો.”
56 અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.
57 અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા; કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×