Bible Versions
Bible Books

Jeremiah 36:3 (GUV) Gujarati Old BSI Version

1 વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું:
2 “જે દિવસથી મેં તારી સાથે વાત કરી, એટલે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ તથા યહૂદિયાની વિરુદ્ધ તથા સર્વ પ્રજાઓની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.
3 જે સર્વ વિપત્તિ હુમ તેઓ પર લાવવા ધારું છું તે યહૂદાના વંશજો કદાચિત સાંભળે, જેથી તેઓ પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, અને હું તેઓના અપરાધોની તથા તેઓનાં પાપોની ક્ષમા કરું.”
4 ત્યારે યર્મિયાએ નેરિયાના પુત્ર બારુખને બોલાવ્યો; અને યહોવાએ જે વચનો કહ્યાં હતાં તે સર્વ, યર્મિયાના બોલવા પ્રમાણે, બારુખે ઓળિયામાં લખ્યાં.
5 યર્મિયાએ બારુખને આજ્ઞા આપી કે, હું તો કેદમાં પડયો છું. હું યહોવાના મંદિરમાં જઈ શકતો નથી.
6 માટે તું જા, ને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ, ને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ પણ તે વાંચી સંભળાવ.
7 કદાચિત તેઓ યહોવાને વિનંતી કરે, ને પોતપોતાના દુષ્ટ માર્ગોથી ફરે, કેમ કે જે કોપ તથા રોષ યહોવાએ લોકોની વિરુદ્ધ ઉચ્ચાર્યો છે તે મહાન છે.
8 પછી યર્મિયા પ્રબોધકે નેરિયાના પુત્ર બારુખને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું, અને પુસ્તકમાં લખેલાં યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં વાંચી સંભળાવ્યાં.
9 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના પાંચમા વર્ષના નવમા માસમાં યરુશાલેમમાંના સર્વ લોકો, તથા યહૂદિયાનાં નગરોમાંથી જેઓ યરુશાલેમમાં આવ્યા હતા તેઓએ યહોવાની આગળ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.
10 ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાનાં વચનો યહોવાના મંદિરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાની ઉપરના આંગણામાંના ઓરડામાં, અને યહોવાના મંદિરના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ લખેલું વાંચી સંભળાવ્યું.
11 જ્યારે શાફાનના પુત્ર ગમાર્યાના પુત્ર મીખાયાએ પુસ્તકમાંથી યહોવાનાં સર્વ વચનો સાંભળ્યાં,
12 ત્યારે તે રાજાના મહેલમાં ચિટનીસના ઓરડામાં ઊતરીને ગયો; અને ત્યાં સર્વ સરદારો, એટલે ચિટનીસ અલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર ઓલ્નાથાન, શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા સર્વ સરદારો બેઠેલા હતા.
13 ત્યાં બારુખે લોકોની આગળ વાંચી સંભળાવેલા પુસ્તકનાં જે વચનો તેણે સાંભળ્યાં હતાં તે સર્વ વચનો મીખાયાએ તેઓને જણાવ્યાં.
14 તેથી સર્વ સરદારોએ કૂશીના પુત્ર શેલેમ્યાના પુત્ર નથાન્યાના પુત્ર યેહૂદીને બારુખની પાસે મોકલીને કહેવડાવ્યું, “જે ઓળિયું તેં લોકની આગળ વાંચી સંભળાવ્યું તે તારા હાથમાં લઈને અહીં આવ.” તે પ્રમાણે નેરિયાનો પુત્ર બારુખ પોતાના હાથમાં તે ઓળિયું લઈને તેઓની પાસે આવ્યો.
15 તેઓએ તેને કહ્યું, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” તેથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું.
16 ત્યારે એવું થયું કે તે સર્વ વચન સાંભળ્યા પછી તેઓ એકબીજા તરફ જોઈને ધ્રૂજી ઊઠયા, ને બારુખને કહ્યું, “રાજાને સર્વ વચનોની ખબર અમે અવશ્ય આપીશું.”
17 તેઓએ બારુખને પૂછયું, “તેં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન કેવી રીતે લખ્યાં તે અમને કહે.”
18 ત્યારે બારૂખે તેઓને કહ્યું, “તેણે પોતાના મુખથી સર્વ વચન ઉચ્ચાર્યાં, ને મેં પુસ્તકમાં તે શાહીથી લખ્યાં.”
19 ત્યારે સરદારોએ બારુખને કહ્યું, “જા, તું તથા યર્મિયા બન્ને સંતાઈ જાઓ; અને તમે ક્યાં છો, તે કોઈને માલૂમ પડે નહિ.”
20 ત્યાર પછી તે ઓળિયું ચિટનીસ અલીશામાના ઓરડામાં મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.
21 ત્યારે રાજાએ તે ઓળિયું લાવવાને યેહૂદીને મોકલ્યો. અલીશામા ચિટનીસના ઓરડામાંથી તે ઓળિયું લાવ્યો, અને રાજાના તથા રાજાની પાસે ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહૂદીએ તે વાંચી સંભળાવ્યું.
22 હવે નવમાં મહિનામાં રાજા પોતાના હેમંતગૃહમાં બેઠો હતો; અને તેની આગળ સગડી બળતી હતી.
23 જ્યારે યેહૂદીએ ત્રણ ચાર પાનાં વાંચ્યાં ત્યારે રાજાએ ચપ્પૂ વડે તે કાપીને સગડીમાં નાખ્યાં, ને પ્રમાણે આખું ઓળિયું બાળી નાખવામાં આવ્યું.
24 રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.
25 વળી તે ઓળિયું બાળી નહિ નાખવા માટે એલ્નાથાને, દલાયાએ તથા ગમાર્યાએ રાજાને વિનંતી કરી; તોપણ તેણે તેઓનું કહેવું માન્યું નહિ.
26 પછી રાજાએ પોતાના પુત્ર યરાહમેલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દેલના પુત્ર શેલેમ્યાને, બારુખ લેખકને તથા યર્મિયા પ્રબોધકને પકડવાની આજ્ઞા આપી; પણ યહોવાએ તેમને સંતાડી રાખ્યા.
27 બારુખે યર્મિયાના મુખનાં બોલેલાં વચનો જે ઓળિયામાં લખ્યાં હતાં તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, ત્યાર પછી યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું,
28 “તું ફરી એક બીજું ઓળિયું લે, ને આગળનું જે ઓળિયું યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી નાખ્યું, તેમાં જે વચન હતાં તે સર્વ એમાં લખ.
29 યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે તું લખ, ‘બાબિલનો રાજા ખચીત આવીને દેશનો નાશ કરશે, ને તેમાંનાં મનુષ્યો તથ પશુઓનો નાશ થશે, એમ યહોવા કહે છે, એવું ઓળિયામાં તેં શા વાસ્ત લખ્યું છે, એમ કહીને તેં ઓળિયું બાળી નાખ્યું છે.
30 માટે યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, તે ના વંશમાં નો કોઈ દાઉદના રાજ્યાસન પર બેસશે નહિ. અને દિવસે ગરમીમાં તથા રાત્રે હિમમાં તેનું મુડદું બહાર પડી રહેશે.
31 હું તેને, તેનાં સંતાનને તથા તેના સેવકોને તેઓનાં દુષ્કર્મોને લીધે શિક્ષા કરીશ; અને તેઓનાં પર જે વિપત્તિ લાવવા વિષે હું બોલ્યો છું, ને તેઓએ સાંભળ્યું નહિ, તે સર્વ વિપત્તિઓ હું તેઓ પર, યરુશાલેમના રહેવાસીઓ પર તથા યહૂદિયાના માણસો પર લાવીશ.”
32 વળી યર્મિયાએ એક બીજું ઓળિયું લઈને નેરિયાના પુત્ર બારુખ લેખકને આપ્યું; અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું, તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજાં ઘણાં વચન પણ તેમાં ઉજમેરાયાં.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×