Bible Versions
Bible Books

Jeremiah 8:11 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા કહે છે, “તે સમયે તેઓ યહૂદિયાના રાજાઓનાં, તેના સરદારોનાં, યાજકોનાં, પ્રબોધકોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેઓની કબરોમંથી કાઢી લાવશે.
2 સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ વંઠી ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.
3 વળી દુષ્ટ વંશમાં જેઓ બાકી રહેલા છે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાંના બાકી રહેલા સર્વ લોકો જીવવા કરતાં મરવું પસંદ કરશે, એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
4 વળી તું તેઓને કહે કે, યહોવા આમ બોલે છે: “શું કોઈ પડે તે ફરીથી નહિ ઊઠે? શું કોઈ ફરે તે પાછો સ્થળે નહિ આવે?
5 તો યરુશાલેમના લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.
6 મેં ચિત્ત દઈને સાંભળ્યું, પણ તેઓ યથાયોગ્ય બોલ્યા નહિ; ‘મેં શું કર્યું?’ એમ કહીને કોઈ પણ પોતાની દુષ્ટતાનો પશ્ચાતાપ કરતો નથી! જેમ લડાઈમાં ઘોડો વેગથી ધસે છે, તેમ તેઓમાંનો દરેક પોતપોતાના માર્ગમાં આગળ ધસી જાય છે.
7 વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.
8 ‘અમે જ્ઞાની છીએ, ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે, એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે.
9 જ્ઞાનીઓ લજ્જિત થયા છે. તેઓ ભયભીત થયા છે, તથા પકડાઈ ગયા છે. જુઓ, યહોવાના વચનનો તેઓએ ઇનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?
10 તે માટે હું તેઓની પત્નીઓ બીજા પુરુષોને તથા તેઓનાં ખેતરો બીજા માલિકોને આપીશ, કેમ કે નાનાથી તે મોટા સુધી સઘળા લોભિયા થયા છે. પ્રબોધકથી તે યાજક સુધી સઘળા જૂઠાણું ચલાવે છે.
11 અને કંઈ પણ શાંતિ છતાં, ‘શાંતિ, શાંતિ, એમ કહીને તેઓએ મારા લોકોની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.
12 તેઓએ ધિક્કારપાત્ર કર્મ કર્યું હતું, તે છતાં તેઓ શું શરમિંદા થયા? ના, તેઓ જરા પણ શરમિંદા થયા નહિ, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું નહિ; તે માટે તેઓ પડનારાઓ ભેગા પડશે. જ્યારે હું તેમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, એમ યહોવા કહે છે.
13 યહોવા કહે છે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; દ્રાક્ષાવેલા પર કંઈ દ્રાક્ષા થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડાં ચીમળાશે; મેં તેઓને જે આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.”
14 પ્રભુના લોકોએ કહ્યું, ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.
15 આપણે શાંતિની આશા રાખી, પણ કંઈ હિત થયું નહિ; અને કુશળ સમયની રાહ જોઈ, પણ જુઓ, ભય!
16 તેના ઘોડાઓનો હણહણાટ દાનથી સંભળાય છે! તેના સમર્થોના ખોંખારાના અવાજથી આખી ભૂમિ કંપે છે! તેઓએ આવીને ભૂમિ તથા તેનું સર્વસ્વ, નગર તથા તેના રહેવાસીઓને ખાઈ નાખ્યાં છે.’
17 “જુઓ, હું સર્પોને, એટલે મંત્રવશ થતા નથી એવા નાગને, તમારામાં મોકલીશ; અને તેઓ તમને કરડશે, એમ યહોવા કહે છે.
18 “મારા ખેદમાં મને દિલાસો મળે તો કેવું સારું! મારું હ્રદય મારામાં મૂર્ચ્છિત થાય છે.
19 મારા લોકોની દીકરીના રુદનનો પોકાર દૂર દેશથી આવે છે: ‘શું યહોવા સિયોનમાં નથી? શું તેનો રાજા તેમાં નથી? તેઓએ શા માટે પોતાની કોરેલી મૂર્તિઓથી, ને પારકી વ્યર્થ વસ્તુઓથી મને રોષ ચઢાવ્યો છે?
20 કાપણી વીતી ગઈ છે, ઉનાળો સમાપ્ત થયો છે, તોયે અમે તારણ પામ્યા નથી.’
21 મારા લોકોની દીકરીના ઘાને લીધે હું ઘાયલ થયો છું; હું શોક કરું છું; હું ભયભીત થયો છું.
22 ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×