Bible Versions
Bible Books

Job 4:18 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અલિફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો,
2 “જો કોઈ તારી સાથે બોલવાનું કરે, તો તારું દિલ દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
3 તેં ઘણાઓને શિખામણ આપી છે, તેં નિર્બળોને બળવાન કર્યા છે.
4 તારા શબ્દોએ પડતા જનને ટટાર રાખ્યો છે. અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
5 પણ હમણાં તારા પર સંકટ આવી પડયું છે, ત્યારે તું શિથિલ બની જાય છે; તે તારો સ્પર્શ કરે છે, એટલે તું ગભરાઈ જાય છે.
6 તારા ઈશ્વર પર તારો ભરોસો નથી? તારા સદાચાર પર તારી આશા નથી?
7 કયા નિર્દોષ માણસનો નાશ થયો? અને કયા સદાચારીની પાયમાલી થઈ? તે કૃપા કરીને યાદ કર.
8 મારા અનુભવ પ્રમાણે, જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું લણે છે.
9 ઈશ્વરના શ્ચાસથી તેઓ નાશ પામે છે, અને તેમના કોપની જ્વાલાથી તેઓ ભસ્મ થાય છે.
10 સિંહની ગર્જના, અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે,
11 ઘરડો સિંહ શિકાર વિના નાશ પામે છે, અને સિંહણનાં બચ્ચાં વિખેરાઈ જાય છે.
12 હવે એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારે કાને પડયા.
13 જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે, ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં
14 મને ભયથી ધ્રૂજારી છૂટી, અને તેથી મારાં સર્વ હાડ થથરી ઊઠયાં.
15 ત્યારે એક આત્મા મારા મોં આગળથી ગયો; અને મારા શરીરનાં રૂઆં ઊભાં થયાં.
16 તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ; એક આકૃતિ મારી આંખો આગળ ઊભી હતી; શાંતિ પસરેલી હતી, અને મેં એવી વાણી સાંભળી,
17 ‘શું મરનાર માણસ ઈશ્વર આગળ ન્યાયી હોય? શું મનુષ્ય પોતાના કર્તા આગળ પવિત્ર ગણાય?’
18 જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે;
19 તો ધૂળમાં નાખેલા પાયાવાળાં માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે, તેઓને તે કેટલા વિશેષ ગણશે!
20 સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે; તેઓ સદાને માટે નાશ પામે છે, અને કોઈ તે લેખવતું નથી.
21 શું તેઓનો વૈભવ લોપ થતો નથી? તેઓ મરી જાય છે, અને વળી જ્ઞાનરહિત ચાલ્યા જાય છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×