Bible Versions
Bible Books

Proverbs 18:23 (GUV) Gujarati Old BSI Version

1 જે જુદો પડે છે તે પોતાની ઇચ્છા સાધવા મથે છે, તે રીસથી સર્વ સુજ્ઞાનની વિરુદ્ધ થાય છે.
2 મૂર્ખને બુદ્ધિમાં તો નહિ, પણ તેનું હ્રદય પોતાનું સ્વરૂપ પ્રકાશે, તેમાં આનંદ છે.
3 દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા પણ આવે છે.
4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; જ્ઞાનનો ઝરો વહેતી નદી જેવો છે.
5 દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો યોગ્ય નથી.
6 મૂર્ખના હોઠ કજિયા કરાવે છે, અને તેનું મોં ફટકા માગે છે.
7 મૂર્ખનું મોં તેનો વિનાશ છે, અને તેના હોઠ તેના પોતાના આત્માનો ફાંદો છે.
8 કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.
9 વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
10 યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.
11 દ્રવ્યવાન માણસનું ધન તેનું કિલ્‍લેબંધીવાળું શહેર છે, તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
12 માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.
13 સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
14 હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?
15 ડાહ્યાનું હ્રદય ડહાપણ પ્રાપ્ત કરે છે; અને જ્ઞાની જ્ઞાન સાંભળવા મથે છે.
16 માણસની બક્ષિસ તેને માટે માર્ગ ખુલ્લો કરે છે. અને તેને મોટા માણસની હજૂરમાં દાખલ કરે છે.
17 જે પોતાનો દાવો પ્રથમ માંડે છે તે વાજબી દેખાય છે; પણ તેનો પ્રતિવાદી આવીને તેને ઉઘાડો પાડે છે.
18 ચિઠ્ઠી નાખવાથી તકરાર સમી જાય છે, અને સમર્થોના ભાગ વહેંચવામાં આવે છે.
19 દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે; એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.
20 માણસ પોતાના મુખના ફળથી પેટ ભરીને ખાશે; અને તેના હોઠોની ઊપજથી તે ધરાશે.
21 મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.
22 જેને પત્ની મળે તેને સારી ભેટ મળી જાણવી, અને તેને યહોવાની કૃપા પ્રાપ્ત થાય છે.
23 ગરીબ કાલાવાલા કરે છે; પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.
24 જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×