Bible Versions
Bible Books

1 Samuel 24 (GUV) Gujarati Old BSI Version

1 શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને પાછો આવ્યો ત્યારે એમ બન્યું કે, તેને સમાચાર મળ્યા, “જુઓ, દાઉદ એન-ગેદીના રાનમાં છે.”
2 એટલે શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસો લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં રાની બકરાંના ખડકો પર ગયો.
3 અને તે માર્ગે મેંઢવાડાઓ પાસે આવ્યો, ત્યાં એક ગુફા હતી; અને શાઉલ તેમાં હાજતે ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી અંદરના ભાગમાં બેઠેલા હતા.
4 દાઉદના માણસોએ તેને કહ્યું, “જુઓ, જે દિવસ વિશે યહોવાએ તમને કહ્યું હતું કે, ‘જો, હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે, તે દિવસ આવ્યો છે.” ત્યારે દાઉદે ઊઠીને છાનામાના શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.
5 પછી એમ થયું કે તેણે શાઉલ ના ઝભ્ભા ની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદના મને તેને માર્યો.
6 તેણે પોતાના માણસોને કહ્યું, “મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું, એવું યહોવા થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.”
7 આમ કહીને દાઉદે પોતાના માણસોને વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ. પછી શાઉલ ગુફામાંથી ઊઠીને પોતાને માર્ગે પડ્યો.
8 દાઉદ પણ પાછળથી ઊઠ્યો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક મારીને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા.” અને શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા,
9 અને દાઉદે શાઉલને કહ્યું, “જુઓ, દાઉદ તમારું નુકસાન કરવા ઇચ્છે છે, એવું બોલનારાનું કહેવું તમે શા માટે સાંભળો છો?
10 જુઓ, આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે: કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું; પણ મેં તમને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે, હું મારા મુરબ્બી પર મારો હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.
11 વળી, મારા પિતા, જુઓ, હા, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર જુઓ, મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી, છતાં તમને મારી નાખ્યા નહિ, તે પરથી જાણો ને સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી, તમે જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો, તોપણ મેં તમારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી.
12 યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારું વેર તમારા પર વાળો. પણ મારો હાથ તો તમારા પર નહિ પડે.
13 પ્રાચીન લોકોની કહેવત છે તેમ, દુષ્ટતા દુષ્ટોમાંથી ઉત્પન્‍ન થાય છે; પણ મારો હાથ તમારા પર નહિ પડે.
14 ઇઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ, એક ચાંચડ પાછળ!
15 માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”
16 દાઉદ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે એમ થયું કે શાઉલે કહ્યું, “મારા દિકરા દાઉદ, શું તારો સાદ છે?” અને શાઉલ પોક મૂકીને રડ્યો.
17 પછી તેણે દાઉદને કહ્યું, “તું મારા કરતાં વધારે ન્યાયી છે, પણ મેં તને બૂરો બદલો આપ્યો.
18 તું મારી સાથે કેવી રીતે વર્ત્યો છે તે તેં આજે જાહેર કર્યું છે, કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો, ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.
19 જો કોઈ માણસના હાથમાં તેનો શત્રુ આવે, તો શું તે તેને સહીસલામત જવા દે કે? માટે તેં આજે મારું જે ભલું કર્યું છે તેનો સારો બદલો યહોવા તને આપો.
20 હવે જો, હું જાણું છું કે તું નક્કી રાજા થશે, ને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
21 માટે હવે મારી આગળ યહોવાના સોગન ખા કે, તું મારી પાછળ મારા સંતાનનો નાશ નહિ કરે, ને તું મારું નામ મારા પિતાના કુટુંબમાંથી નષ્ટ નહિ કરે.”
22 અને દાઉદે શાઉલની આગળ સોગન ખાધા. અને શાઉલ પોતાને ઘેર ગયો. પણ દાઉદ તથા તેના માણસો ઉપર ચઢીને ગઢમાં ગયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×