Bible Versions
Bible Books

Leviticus 14 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “કોઢિના શુદ્ધિકરણને દિવસે તેના વિષે નિયમ થાય:એટલે તેને યાજક પાસે લાવવો,
3 અને યાજક છાવણીની બહાર જાય, અને યાજક તેને તપાસે, ને જો કોઢિના શરીરમાંથી કોઢનો રોગ મટી ગયો હોય,
4 તો યાજક એવી આજ્ઞા કરે કે, જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે બે જીવતાં શુદ્ધ પક્ષીઓ, તથા એરેજવૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝુફો લેવાં.
5 પછી યાજક એવી આજ્ઞા કરે કે, તેઓમાંના એક પક્ષીને વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપવું.
6 અને જીવતા રહેલા પક્ષીને, તથા એરેજવૃક્ષના લાકડાને, તથા કિરમજી રંગને, તથા ઝૂફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે;
7 અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર તે રક્ત તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.
8 અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્‍નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.
9 અને સાતમે દિવસે એમ થાય કે તે પોતાના માથાના બધા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે, એટલે પોતાના બધા વાળ ને મૂંડાવી નાખે; અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઇ નાખે, ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે, એટલે તે શુદ્ધ થશે.
10 અને આઠમે દિવસે બે ખોડખાંપણ વગરના નર હલવાન તથા પહેલાં વર્ષની એક ખોડખાંપણ વગરની ઘેટી, તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદો તથા એક માપ તેલ તે લે.
11 અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાતમંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સમક્ષ રજૂ કરે.
12 અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે, ને યહોવાનીઇ સમક્ષ તેઓની આરતી ઉતારીને આરત્યર્પણ કરે;
13 અને પવિત્રસ્થાનની જે જગાએ પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ કપાય છે, તે જગાએ તે હલવાનને તે કાપે; કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમ દોષાર્થાર્પણ પણ યાજકનું છે; તે પરમપવિત્ર છે.
14 અને તે યાજક દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને, જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર લગાડે.
15 અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેલીમાં રેડે.
16 અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાં પોતાની જમણી આંગળી બોળીને, પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સમક્ષ સાત વાર છાંટે.
17 અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણાઅ કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક લગાડે.
18 અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ તે લગાડે; અને યાજક તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.
19 અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય, તેને માટે યાજક પાપાર્થાર્પણ ચઢાવીને પ્રાયશ્ચિત્ત કરે; અને ત્યાર પછી તે દહનીયાર્પણ કાપે.
20 અને યાજક વેદી પર તે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે શુદ્ધ થશે.
21 અને જો તે ગરીબ હોય, અને એટલું મેળવવું તેના ગજા ઉપરાંત હોય, તો પોતાને માટે પ્રાયશ્ચિત્ત કરવાને દોષાર્થાર્પણને માટે આરતી ઉતારવા માટે તે એક નર હલવાન, ને ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો એક દશાંશ એફાહ મેંદો, તથા એક માપ તેલ લે;
22 તથા બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં, પોતાની શક્તિ પ્રમાણે તે લાવે; અને તેઓમાંનું એક પાપાર્થાર્પણને ને બીજું દહનીયાર્પણને અર્થે થાય.
23 અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણને માટે તેમને યાજકની પાસે મુલાકાતમંડપના બારણા આગળ યહોવાની સમક્ષ લાવે.
24 અને યાજક દોષાર્થાર્પણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સમક્ષ તેમની આરતી ઉતારીને આરત્યર્પણ કરે;
25 અને દોષાર્થાર્પણનો હલવાન તે કાપે, ને યાજક તે દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડે.
26 અને યાજક તે તેલમાંથી પોતાની ડાબી હથેલીમાં રેડે.
27 અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાંથી કેટલુંક પોતાની જમણી આંગળી યહોવાની સમક્ષ સાત વાર છાંટે.
28 અને યાજક પોતાની હથેલીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, દોષાર્થાર્પણના રક્તની જગા પર લગાડે.
29 અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે લગાડે, માટે કે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરાય.
30 અને તે મેળવી શકે હોલાઓમાંથી કે કબૂતરનાં બચ્ચાંમાંથી એકને તે ચઢાવે;
31 એટલે જેવું તે મેળવી શકે એવું, એક પાપાર્થાર્પણને માટે તથા બીજું ખાદ્યાર્પણ સાથે દહનીયાર્પણને માટે; અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને માટે યાજક યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.
32 જે કોઢિ પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય, તેને માટે નિયમ છે.”
33 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,
34 “કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં અવો, ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોઢનો રોગ દાખલ કરું,
35 તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપવી કે, મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે.
36 ત્યારે યાજક રોગની તપાસ કરવા માટે અંદર જાય, તે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે, માટે કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ થાય, અને ત્યાર પછી યાજક ઘરને તપાસવા માટે અંદર પેસે.
37 અને રોગની તે તપાસ કરે, ને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરડ પડી હોય, ને તેઓ દીવાલ ની સપાટી થી ઊંડી દેખાતી હોય; તો.
38 યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે, ને સાત દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે.
39 અને યાજક ફરીથી સાતમે દિવસે આવીને તપાસે, અને જો તે રોગ ઘરની દીવાલોમાં પસર્યો હોય,
40 તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપે.
41 અને યાજક તે ઘરને અંદરની બાજુએ ચોતરફથી ખરપાવી નાખે, અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગાએ ફેંકી દે.
42 અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગાએ બેસાડે, અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે.
43 અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે,
44 તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ, તે રોગ ઘરમાં પસર્યો હોય, તો જાણવું કે ઘરમાં કોહવાડતો કોઢ છે; તે અશુદ્ધ છે.
45 અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કાટ તથા તેના સઘળા ચૂના સુદ્ધાં તે તોડી પાડે, અને તે તેમને નગર બહાર ગંદકીની જગાએ લઈ જાય.
46 અને જ્યાં સુધી ઘર બંધ રહે, ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
47 અને જે કોઈ તે ઘરમાં સૂએ તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે.
48 અને જો યાજક અંદર જઈને તેને તપાસે, ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પસર્યો હોય; તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે.
49 અને ઘરના શુદ્ધિકરણને માટે બે પક્ષીઓ તથા એરેજવૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝૂફો તે લે;
50 અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણી ઉપર એક માટલીમાં કાપે,
51 અને તે એરેજવૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી, એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર સાત વાર છાંટે.
52 અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજવૃક્ષના લાકડાથી તથા ઝૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે;
53 પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે. એવી રીતે ઘરને માટે તે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તે શુદ્ધ થશે.
54 કોઢના સર્વ રોગ તથા ઉંદરીને માટે,
55 ને વસ્‍ત્રના તથા ઘરના કોઢને માટે,
56 ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે નિયમ છે;
57 કોઢની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય, ને શુદ્ધ કયારે કહેવાય, તે શીખવવા માટે નિયમ છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×