Bible Versions
Bible Books

Luke 14 (GUV) Gujarati Old BSI Version

1 ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘેર વિશ્રામવારે તે રોટલી ખાવા ગયા, ત્યારે તેઓ તેમના પર તાકી રહ્યા હતા.
2 એક માણસ તેમની આગળ હતો, તેને જલંદરનો રોગ થયો હતો.
3 ઈસુએ પંડિતોને તથા ફરોશીઓને પૂછ્યું, “વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે કે નહિ?”
4 પણ તેઓ છાના રહ્યા. તેમણે તેને અડકીને સાજો કર્યો, અને તેને રવાના કર્યો.
5 તેમણે તેઓને કહ્યું, “તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડ્યો હોય, તો વિશ્રામવારે તે તેને તરત નહિ કાઢે શું?”
6 વાતનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
7 નોતરેલાઓ કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને એક દ્દષ્ટાંત કહ્યું,
8 “કોઈ તને લગ્નમાં નોતરે ત્યારે મુખ્ય આસન પર બેસ; રખેને તારા કરતાં કોઈ માનવંતો માણસ તેણે નોતરેલો હોય,
9 અને જેણે તને તથા તેને નોતર્યા તે આવીને તને કહે, “એને જગા આપ.’ ત્યારે તારે લજવાઈને સહુથી નીચી જગાએ બેસવું પડશે.
10 પણ કોઈ તને નોતરે ત્યારે સહુથી નીચી જગાએ જઈને બેસ; કે જેણે તને નોતર્યો તે આવે ત્યારે તે તને કહે કે, ‘મિત્ર, ઉપર આવ.’ ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
11 કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે; અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”
12 જેણે તેમને નોતર્યા હતા તેને પણ તેમણે કહ્યું, “જ્યારે તમે દિવસનું કે રાતનું ખાણું આપો, ત્યારે તમારાં મિત્રોને, તમારા ભાઈઓને, તમારા સગાંઓને કે શ્રીમંત પડોશીઓને બોલાવો; રખને તેઓ પણ તમને પાછા નોતરે, અને તમને બદલો મળે.
13 પણ જ્યારે તમે મિજબાની આપો ત્યારે દરિદ્રીઓને, અપંગોને, લંગડાઓને તથા આંધળાઓને બોલાવો.
14 તેથી તમે ધન્ય થશો; કેમ કે તમને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે.”
15 વાત સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે તેમને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તેને ધન્ય છે!”
16 પણ તેમણે તેને કહ્યું, “કોઈએક માણસે રાતનું મોટું ખાણું કર્યું, અને ઘણાને નોતર્યાં.
17 વાળુ વખતે તેણે પોતાના દાસને નોતરેલાઓને આમંત્રણ આપવા મોકલ્યો, કે, ‘ચાલો; હમણાં બધું તૈયાર થયું છે.’
18 સર્વ એક મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે, મને માફ કર.’
19 બીજાએ તેને ક્‍હ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું; હું તને વિનંતી કરું છું કે, તું મને માફ કર.’
20 બીજાએ કહ્યું કે, ‘હું સ્‍ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહિ.’
21 પછી તે દાસે આવીને પોતાના ધણીને વાતો કહી ત્યારે ઘરધણીએ ગુસ્સે થઈને પોતાના દાસને કહ્યું, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જલદી જઈને દરિદ્રીઓને, અપંગોને, આંધળાઓને, તથા લંગડાઓને અહીં તેડી લાવ.’
22 તે દાસે કહ્યું કે, ‘સાહેબ, આપના હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ જગા છે.’
23 ધણીએ દાસને કહ્યું કે, ‘સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે, મારું ઘર ભરાઈ જાય.’
24 કેમ કે હું તમને કહું છું કે, પેલા નોતરાયેલા માણસોમાંનો કોઈ પણ મારું વાળું ચાખશે નહિ.’”
25 હવે ઘણા લોકો તેમની સાથે જતા હતા, તેઓને તેમણે પાછા ફરીને કહ્યું,
26 “જો કોઈ મારી પાસે આવે, અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાંનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્વેષ કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
27 જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
28 કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલવહેલાં બેસીને ખરચ નહિ ગણે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?
29 રખેને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ. ત્યારે જેઓ જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે.
30 અને કહે કે, માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
31 અથવા ક્યો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દશ હજારથી થઈ શકીશ કે નહિ?
32 નહિ તો બીજો હજી ઘણે વેગળે છે, એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિષે પૂછશે.
33 તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
34 મીઠું તો સારું છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરી શકાય?
35 જમીનને માટે અથવા ખાતરને માટે પણ તે યોગ્ય નથી. પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×