Bible Versions
Bible Books

Proverbs 5 (GUV) Gujarati Old BSI Version

1 મારા દીકરા, મારા જ્ઞાન તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર; કે
2 તું વિવેકબુદ્ધિ સાચવી રાખે, અને તારા હોઠ સમજને સંઘરી રાખે.
3 કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલ કરતાં સુંવાળું છે;
4 પણ તેનું પરિણામ વિષ જેવું કડવું, અને બેધારી તરવાર જેવું તીક્ષ્ણ છે.
5 તેના પગ મૃત્યુ સુધી નીચે ઊતરી જાય છે; તેનાં પગલાં શેઓલમાં જાય છે.
6 તેથી તેને સપાટ જીવનમાર્ગ મળતો નથી; તેના માર્ગો અસ્થિર છે તે તે જાણતી નથી.
7 હવે, દીકરાઓ, મારું સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જાઓ.
8 તારો માર્ગ તેનાથી દૂર રાખ, અને તેના ઘરના દ્વારની નજીક જા.
9 રખેને તું તારી આબરૂ બીજાઓને, અને તારાં વર્ષો ઘાતકીઓને સ્વાધીન કરે;
10 રખેને તારા બળથી પારકાં તૃપ્ત થાય; અને તારી મહેનત નાં ફળ થી પારકાનું ઘર ભરાય;
11 રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થવાથી તું અંત સમયે વિલાપ કરે,
12 અને કહે, ‘શા માટે મેં શિખામણનો ધિક્કાર કર્યો, અને મારા અંત:કરણે ઠપકાને તુચ્છ ગણ્યો!
13 શા માટે મારા શિક્ષકોનું કહેવું મેં માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારના શબ્દો પર મેં કાન ધર્યો નહિ!
14 મંડળમાં તથા સંમેલનમાં હું લગભગ દેહાંતદંડની શિક્ષા પામત એવો હતો.’
15 તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી.
16 શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું, અને નદીઓનું પાણી રસ્તામાં વહેવડાવી દેવું?
17 તેઓ તારે એકલાને માટે થાઓ, અને તારી સાથે પારકાઓને માટે નહિ.
18 તારો ઝરો આશીર્વાદ પામો, અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન.
19 પ્રેમાળ હરણી તથા મનોહર મૃગલી જેવી તે તને લાગો, સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના પ્રેમમાં તું હંમેશાં ગરકાવ રહે.
20 મારા દીકરા, શા માટે તારે પરનારી પર મોહિત બનવું જોઈએ, અને પારકી સ્‍ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ?
21 કેમ કે મનુષ્યના માર્ગો ઉપર યહોવાની નજર છે. અને તે તેના સર્વ રસ્તાની સંભાળની તુલના કરે છે.
22 દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.
23 શિક્ષણ વગર તે માર્યો જશે; અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×