Bible Versions
Bible Books

Leviticus 9 (GUV) Gujarati Old BSI Version

1 અને આઠમે દિવસે એમ બન્યું કે, મૂસાએ હારુનને તથા તેના પુત્રોને તથા ઇઝરાયલનઅ વડીલોને બોલાવ્યા;
2 અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.
3 અને તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે પાપાર્થાર્પણને માટે એક બકરો; અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા એક હલવાન, બન્‍ને પહેલા વર્ષના તથા ખોડખાંપણ વગરના;
4 અને શાંત્યર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો; કેમ કે યહોવા આજે તમને દર્શન આપવાના છે.”
5 અને જે વિષે મૂસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપની પાસે લાવ્યા. અને સમગ્ર પ્રજા પાસે આવીને યહોવાની સમક્ષ ઊભી રહી.
6 અને મૂસાએ કહ્યું, “યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી તે છે. અને તમને યહોવાના ગૌરવનું દર્શન થશે.”
7 અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”
8 માટે હારુન વેદી પાસે ગયો, ને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
9 અને હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું. અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના શિંગ ઉપર તે લગાડ્યું; અને બાકીનું રક્ત વેદીના થડમાં ઢોળી દીધું.
10 પણ પાપાર્થાર્પણની ચરબી, તથા ગુરદા તથા કલેજા પરનું ચરબીનું પડ એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
11 અને તેનું માંસ તથા ચામડું તેણે છાવણીની બહાર અગ્નિમાં બાળી નાખ્યાં.
12 અને તેણે દહનીયાર્પણ કાપ્યું; અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે તે વેદી ઉપર ચારે બાજુએ છાંટયું.
13 અને તેઓએ તેને દહનીયાર્પણના ટુકડા, એક પછી એક, તથા માથું આપ્યા; અને વેદી પર તેણે તેમનું દહન કર્યું.
14 અને તેણે આંતરડાંને તથા પગને ધોઈને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું.
15 અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું, ને લોકોના પાપાર્થર્પણના બકરાને લઈને પહેલાંની જેમ તેને કાપીને પાપને લીધે ચઢાવ્યો.
16 પછી તેણે દહનીયાર્પણ રજૂ કર્યું, ને વિધિ પ્રમાણે તે ચઢાવ્યું.
17 પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.
18 અને તેણે લોકોને માટે શાંત્યર્પણોના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા. અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે વેદી પર ચારે બાજુએ છાંટયું.
19 અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા આંતરડાં પરનો પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ લીધાં.
20 અને તેઓએ છાતી પર ચરબી મૂકી, ને તે ચરબીનુમ તેણે વેદી ઉપર દહન કર્યું.
21 અને હારુને યહોવાની સમક્ષ છાતીની તથા જમણા બાવડાની આરતી ઉતારીને તેમનું આરત્યર્પણ કર્યું, જેમ મૂસાએ આજ્ઞા કરી હતી તેમ.
22 અને હારુને લોકો તરફ પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો; અને પાપાર્થર્પણ તથા દહનીયાર્પણ તથા શાંત્યર્પણો ચઢાવીને તે નીચે ઊતર્યો.
23 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપમાં ગયા, ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો; અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું.
24 અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×