Bible Versions
Bible Books

Ezekiel 34 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાનું વચન મારી પાસે આવ્યું,
2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ કરવું જોઈએ?
3 તમે મેદ ખાઓ છો, તમે ઊનના વસ્ત્ર પહેરો છો, તમે મતેંલાંને કાપો છો, પણ તમે ઘેટાંનું પોષણ કરતાં નથી.
4 તમે રોગિષ્ઠને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી જેનું હાડકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી. પણ જબરદસ્તીથી અને સખતાઈથી તમે તેના પર સત્તા ચલાવી છે.
5 પાળક હોવાથી તેઓ વિખેરાઈ ગયાં; અને વિખેરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં.
6 મારાં ઘેટાં સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતાં ફર્યાં. હા, મારાં ઘેટાં, અને તેમને ખોળનાર કે શોધનાર કોઈ નહોતું.
7 માટે, હે પાળકો, તમે યહોવાનું વચન સાંભળો:
8 પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે નક્કી મારાં ઘેટાં શિકાર થઈ પડ્યા છે, ને મારાં ઘેટાં સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં છે, કેમ કે કોઈ પાળક નહોતો, તેમ મારા પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નહિ. પણ તેઓએ મારાં ઘેટાંનું પોષણ કરતાં પોતાનું પોષણ કર્યું.
9 માટે, હે પાળકો, યહોવાનું વચન સાંભળો.
10 પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.
11 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું જાતે, હા, હું જ, મારાં ઘેટાંની ખોળ કરીને તેમને શોધી કાઢીશ.
12 જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાનાં વિખેરાઔ ગયેલાં ઘેટાં સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમ હું મારાં ઘેટાંને શોધી કાઢીશ. અને વાદળાંવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખેરાઈ ગયાં હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ.
13 વળી હું તેમને વિદેશીઓમાંથી કાઢી લાવીશ, ને બીજા દેશોમાંથી તેમને ભેગાં કરીશ, ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, વહેળાઓને કાંઠે, તથા દેશની સર્વ વસતિવાળી જગાઓમાં ચારીશ.
14 હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.
15 હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.
16 ખોવાઈ ગયેલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારું કરીશ; પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીષ.
17 હે મારા ટોળા, તારે વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, મેંઢા તથા મેઢાંની વચ્ચે, અને ઘેટાંઓ તથા બકરાંઓની વચ્ચે હું ન્યાય કરીશ.
18 સારો સારો ચરી જઈને તમારા ચારાનો બાકીનો ભાગ પોતાના પગથી ખૂંદી નાખવો, ને સ્વચ્છ પાણી પીને બાકીનું પોતના પગથી ડહોળી નાખવું શું તમને નાનુંસૂનું લાગે છે?
19 મારાં ઘેટાં તો જે તમે તમારા પગથી ખૂંદી નાખ્યું છે તે ખાય છે, ને જે તમે તમારા પગથી ડહોળી નાખ્યું છે પીએ છે.
20 માટે પ્રભુ યહોવા તેઓને કહે છે કે, જુઓ, હા, હું જ, પુષ્ટ મેંઢાં વચ્ચે ન્યાય કરીશ.
21 તમે પાસાથી તથા ખભાથી હડસેલા મારીને તથા સર્વ માંદાંને તમારં શિંગડાંથી માથાં મારીને તેઓને દૂર વિખેરી નાખ્યાં છે.
22 માટે હું મારાં ઘેટાંનો બચાવ કરીશ, ને તેઓ હવે પછી શિકારરૂપ થશે નહિ; અને હું મેઢાં તથા મેંઢાંની વચ્ચે ન્યાય કરીશ.
23 વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ, ને તે, એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે, ને તે તેઓનો પાળક થશે.
24 હું યહોવા તેઓનો ઈશ્વર થઈશ, ને મારો સેવક દાઉદ તેઓમાં સરદાર થશે; હું યહોવા બોલ્યો છું.
25 હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ, ને ભૂંડા હિંસક પ્રાણીઓનો દેશમાંથી અંત લાવીશ. તેઓ અરણ્યમાં નિર્ભય રહેશે, ને જંગલોમાં ઊંઘશે.
26 હું તેઓને તથા મારા ડુંગરની આસપાસનાં સ્થળોને આશીર્વાદરૂપ કરીશ. હું વર્ષાઋતુમાં વરસાદ વરસાવીશ; આશીર્વાદનાં ઝાપટાં આવશે.
27 વળી ખેતરમાંના વૃક્ષોને ફળ આવશે, પૃથ્વી પોતાની ઉપજ આપશે, ને તેઓ પોતાના દેશમાં નિર્ભય રહેશે; અને હું તેમની ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેમને ગુલામ રાખનારાઓના હાથમાંથી છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
28 ત્યાર પછી તેઓ કદી વિદેશીઓની લૂંટ થશે નહિ, તેમ જંગલી હિંસક પ્રાણીઓ પણ તેમને ફાડી ખાશે નહિ; પણ તેઓ નિર્ભય રહેશે, ને કોઈ એમને બીવડાવશે નહિ.
29 હું તેમને રોપીને એવી રીતે ફળદ્રુપ કરીશ કે તેઓ પ્રખ્યાત થશે, ને ફરીથી કદી પણ દેશમાં દુકાળ પડવાથી તેમનો ક્ષય થશે નહિ, તેમ ફરીથી કદી પણ તેઓને વિદેશીઓથી લજ્જિત થવું પડશે નહિ.
30 ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર યહોવા તેમની સાથે છું, ને તેઓ, એટલે ઇઝરાયલના સંતાનો, મારી પ્રજા છે, એમ પ્રભુ યહોવા કહે છે.
31 તમે મારાં ઘેટાં, મારા ચારાનાં મેંઢાં, તમે મનુષ્યો છો, ને હું તમારો ઈશ્વર છું, એમ પ્રભુ યહોવા કહે છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×