Bible Versions
Bible Books

Daniel 9 (GUV) Gujarati Old BSI Version

1 માદીઓના વંશના અહાશ્વેરોશનો દીકરો દાર્યાવેશ, જે ખાલદીઓની શહેનશાહતનો રાજા થયો, તેના પહેલા વર્ષમાં,
2 તેની કારકિર્દીના પહેલા વર્ષમાં હું દાનિયેલ, યહોવાની વાણી યર્મિયા પ્રબોધકની પાસે આવી હતી તે પ્રમાણે, યરુશાલેમની પાયમાલી થતાં સુધીની મુદતનાં સિત્તેર વર્ષો વિષેની ગણતરી પવિત્ર શાસ્ત્ર પરથી સમજ્યો.
3 હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોળીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો.
4 મેં મારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કરી, ને પાપ કબૂલ કરીને કહ્યું, “હે પ્રભુ, તમારા પ્રેમ રાખનારાઓ પર તથા તમારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર પાળીને દયા રાખનાર મહાન તથા ભયાવહ ઈશ્વર;
5 અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.
6 તમારા સેવક પ્રબોધકો કે જેઓ તમારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા પિતૃઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા તેઓનું અમે સાંભળ્યું નથી.
7 હે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શરમિંદગી તો અમારી છે. એટલે યહૂદિયાના માણસોની તથા યરુશાલેમના રહેવાસીઓની, તથા તમારી વિરુદ્ધ પોતે કરેલા અપરાધોને લીધે, એટલે પાસેના દૂરના દેશોમાં રહેતા સર્વ દેશોમાં જ્યાં તમે તેઓને હાંકી કાઢ્યા છે તે સર્વ ઇઝરાયલની છે.
8 હે પ્રભુ, મુખની શરમિંદગી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની, તથા અમારા પિતૃઓની છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
9 દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે;
10 યહોવા અમારા ઈશ્વરની વાણીને માનતાં તેમના જે નિયમો તેમણે પોતાના સેવક પ્રબોધકની મારફતે અમને બતાવ્યા તે પ્રમાણે અમે ચાલ્યા નથી.
11 હા, સર્વ ઇઝરાયલે ભટકી જઈને તમારી વાણી માની નહિ, અને તમારા નિયમનું ઉલ્લંઘન કર્યું છે. તે માટે ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલી પ્રતિજ્ઞા‍ પ્રમાણે અમારા પર શાપ વરસાવવામાં આવ્યો છે; કેમ કે અમે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.
12 અમારા પર મોટી આપત્તિ લાવીને અમારી વિરુદ્ધ તથા અમારો ન્યાય કરનારા અમારા ન્યાયાધીશોની વિરુદ્ધ પોતે બોલેલાં વચનો તેમણે પરિપૂર્ણ કર્યા છે; કેમ કે યરુશાલેમ પર જે વિપત્તિ પાડવામાં આવી છે તેવી વિપત્તિ આખા આકાશ નીચે કોઈ સ્થળે પડી નથી.
13 મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે સર્વ વિપત્તિ અમારા પર આવી પડી છે. તોપણ અમારા અન્યાયથી ફરવા માટે, તથા તમારું સત્ય સમજવા માટે, અમે હજી સુધી અમારા પ્રભુ પરમેશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી નથી.
14 માટે યહોવા યોગ્ય સમય જોઈને આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે જે કરે છે, તે સર્વ કામો ન્યાયયુક્ત છે, ને અમે તેમની વાણી માની નથી.
15 હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.
16 હે પ્રભુ, કૃપા કરીને તમારાં સર્વ ન્યાયી કૃત્યો પ્રમાણે, તમારો કોપ તથા તમારો ક્રોધ તમારા યરુશાલેમ નગર પરથી, એટલે તમારા પવિત્ર પર્વત પરથી, પાછો ફેરવો. અમારાં પાપોને લીધે તથા અમારા પિતૃઓનાં દુરાચરણને લીધે યરુશાલેમ તથા તમારા લોકો અમારી આસપાસના સર્વની નજરમાં નિંદાપાત્ર થયાં છે.
17 માટે હવે હે અમારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની વિનંતીઓ સાંભળીને તમારા પાયમાલ થયેલા પવિત્રસ્થાન ઉપર, પ્રભુની ખાતર, તમારી કૃપાદષ્ટિ પડવા દો.
18 હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.
19 હે પ્રભુ, લક્ષ આપો, ને અમારી અરજ ફળીભૂત કરો. વિલંબ કરો. હે મારા ઈશ્વર, તમારી પોતાની ખાતર પ્રમાણે કરો, કેમ કે તમારા નગરનું તથા તમારા લોકોનું નામ તમારા નામ પરથી પડેલું છે.”
20 હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, અને મારાં તથા મારા ઇઝરાયલ લોકોનાં પાપ કબૂલ કરતો હતો, ને મારા ઈશ્વરના પવિત્ર પર્વતને માટે મારા ઈશ્વર યહોવાની આગળ મારી અરજ ગુજારતો હતો.
21 હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો.
22 તેણે મને સમજણ પાડી, ને મારી સાથે વાત કરીને કહ્યું, “હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજશક્તિ આપવા માટે આવ્યો છું.
23 તેં વિનંતી કરવા માંડી તે વખતે પ્રભુની આજ્ઞા થઈ તેથી તને માહિતી આપવા માટે હું આવ્યો છું; કેમ કે તું અતિ પ્રિય છે; માટે તું વાતનો વિચાર કર, ને સંદર્શન સમજ.
24 અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.
25 માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.
26 બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત સરદાર કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. તેની પાયમાલી નિર્માણ થયેલી છે.
27 તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર આવશે; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર ક્રોધ રેડવામાં આવશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×