Bible Versions
Bible Books

Ezekiel 42 (GUV) Gujarati Old BSI Version

1 ત્યાર પછી તે મને ઉત્તર તરફ થઈને બહારના ચોકમાં લાવ્યો, જે ઓરડી અલગ જગાની સામે હતી, એટલે જે ઉત્તર તરફની ઈમારતની સામે હતી તેમાં તે મને લાવ્યો.
2 સો હાથની લંબાઈની સામે ઉત્તરનું બારણું હતું. ને તેની પહોળાઈ પચાસ હાથ હતી.
3 અંદરના ચોકના વીસ હાથની સામે તથા બહારના ચોકની ઓરસબંધીની સામે સામસામા ઝરૂખામાં ત્રણ માળ હતા.
4 ઓરડીઓની આગળ એક માર્ગ હતો જે અંદરની તરફ દશ હાથ પહોળો હતો, તેની લંબાઈ સો હાથ હતી. તેમનાં બારણાં ઉત્તર તરફ હતાં.
5 ઉપલી ઓરડીઓ તો બીજીઓના કરતાં ટૂકી હતી. કેમ કે ઇમારતની તળિયાની તથા વચલી ઓરડીઓના કરતાં તેઓમાંથી વિશેષ જગા ઝરૂખાઓએ રોકેલી હતી.
6 તેમના ત્રણ માળ હતાં, ને ચોકને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા નહોતા; એથી છેક ઉપરની ઓરડીઓ તળિયાની તથા વચ્ચેની કરતાં નાની હતી.
7 જે ભીંત ઓરડીઓની બહારની બાજુએ, એટલે ઓરડીઓને મોખરે બહારના ચોક તરફ હતી, તેની લંબાઈ પચાસ હાથ હતી.
8 બહારના ચોકમાંની ઓરડીઓની લંબાઈ પચાસ હાથ હતી; અને જુઓ, મંદિરની આગળ સો હાથનું અંતર હતું
9 બહારના ચોકમાંથી ઓરડીઓમાં પેસતાં એમની નીચે થઈને પૂર્વ બાજુએ દાખલ થવાનું હતું.
10 ચોકની ભીતની જાડાઈમાં પૂર્વ તરફ, અલગ જગાની આગળ, ને ઇમારતની આગળ ઓરડીઓ હતી.
11 તેમની આગળનો માર્ગ તે ઉત્તર તરફની ઓરડીઓના માર્ગ જેવો દેખાતો હતો. તેમની લંબાઈ અને પહોળાઈ સરખી હતી; અને તેમના સર્વ દ્વારો તે એમના ઘાટ પ્રમાણે તથા તેમનાં બારણાં પ્રમાણે હતાં.
12 ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં પ્રમાણે એક બારણું માર્ગને મોખરે એટલે તે ઓરડી ઓમાં પેસતાં સીધું પૂર્વ તરફને માર્ગે હતું.
13 પછી તેણે મને કહ્યું, “અલગ જગાની આગળ જે ઉત્તરની ઓરડીઓ તથા દક્ષિણની ઓરડીઓ છે તે પવિત્ર ઓરડીઓ છે. ત્યાં યાજકોએ પરમપવિત્ર વસ્તુઓ ખાવી, ત્યાં તેઓએ પરમપવિત્ર વસ્તુઓ ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો મૂકવાં, કેમ કે સ્થાન પવિત્ર છે.
14 અંદર ગયા પછી યાજકોએ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના ચોક માં આવવું.”
15 હવે અંદરના મંદિરની માપણી કરી રહ્યા પછી તે પૂર્વ તરફના મોંવાળા દરવાજાને માર્ગે મને બહાર લાવ્યો, ને તેણે તે આખી ઈમારત ની ચોતરફ માંપણી કરી.
16 તેણે માપદંડથી પૂર્વ દિશાએ માપણી કરી, તે માપદંડથી ચોતરફ માપતાં પાંચસો દંડ હતી.
17 તેણે માપદંડથી ઉત્તર દિશાએ ચોતરફ માપણી કરી, તે પાચસો દંડ હતી.
18 તેણે માપદંડથી દક્ષિણ દિશાએ ચોતરફ માપણી કરી, તે પાંચસો દંડ હતી.
19 ત્યાંથી વળીને તે પશ્ચિમ દિશાએ ગયો, ને માપદંડથી માપણી કરી, તે પાંચસો દંડ હતી.
20 તેણે ચારે દિશાએ તેની માપણી કરી. પવિત્ર તથા સાધારણ બે સ્થાનો ને જૂદાં પાડવા માટે તેને ચાર તરફ એક ભીંત હતી, જેની લંબાઈ પાંચસો તથા પહોળાઈ પાંચસો દંડ હતી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×