Bible Versions
Bible Books

Hosea 10 (GUV) Gujarati Old BSI Version

1 ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે; તેના ફળની અધિકતાના પ્રમાણમાં તેણે પોતાને માટે વેદીઓ વધારી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં તેઓએ સુશોભિત ભજનસ્તંભો બનાવ્યા છે.
2 તેઓનું હ્રદય ઠગારું છે; હવે તેઓ દોષિત ઠરશે. તે તેઓની વેદીઓને તોડી પાડશે, તે તેઓના ભજન-સ્તંભોનો નાશ કરશે.
3 ખરેખર, હવે તેઓ કહેશે, “અમારે શિર તો કોઈ રાજા નથી, કેમ કે, અમે યહોવાથી બીતા નથી! વળી રાજા અમારે માટે શું કરી શકે છે?”
4 તેઓ મિથ્યા વચનો બોલે છે, ને કરાર કરતૌ વખતે જૂઠી પ્રતિજ્ઞા લે છે; તેથી જેમ ખેતરના ચાસમાં ઝેરી છોડ ઊગી નીકળે છે તેમ દંડ પણ દંડ પુષ્કળ થશે.
5 સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.
6 વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની સલાહને લીધે લજ્જિત થશે.
7 પાણી પરના ફીણની જેમ સમરુન, તેના રાજાસહિત, નાશ પામ્યું છે.
8 ઇઝરાયલના પાપના કારણરૂપ આવેનનાં ઉચ્ચસ્થાનો નાશ પામશે; તેમની વેદીઓ ઉપર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે; તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો.’ અને ડુંગરોને કહેશે કે, ‘અમારા પર પડો.’
9 હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું પડે મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.
10 મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અપરાધોના બંધનમાં હશે ત્યારે તેઓની સામે વિદેશીઓ એકત્ર થશે.
11 એફ્રાઈમ એક પલોટાયેલી વાછરડી છે કે જેને અનાજ મસળવાના યારમાં ફરવાનું ગમે છે; પણ હું જઈને તેની સુંદર ગરદન પર બેઠો છું! હું એફ્રાઈમ પર એક સવાર બેસાડીશ. યહૂદા ખેડશે, યાકૂબ તેનાં ઢેફાં ભાંગશે.
12 પોતાને માટે નેકી વાવો, ને તેના પરિણામમાં કૃપા લણશો. તમારી પડતર જમીન ચાસી નાખો; કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે.
13 તમે દુષ્ટતા ખેડી છે, ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે! તમે જૂઠનું ફળ ખાધું છે, કેમ કે તેં તારા રથો પર, તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો.
14 માટે તારા લોકોની વિરુદ્ધ હુલ્લડ થશે, ને જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલને પાયમાલ કર્યું તેમ તારા બધા કિલ્લાઓ પાયમાલ થશે. તે દિવસે પોતાનાં બાળકોસહિત માતાઓને પછાડીને તેઓના ચૂરેચૂરા કરવામાં આવ્યા હતા.
15 તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા હાલ કરશે; પ્રાત:કાળે ઇઝરાયલના રાજાનો નાશ થશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×