Bible Versions
Bible Books

Isaiah 19 (GUV) Gujarati Old BSI Version

1 મિસર વિષે ઈશ્વરવાણી. જુઓ, યહોવા વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેમની આગળ ધ્રૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.
2 યહોવા કહે છે, “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ. દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.
3 મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.
4 હું મિસરીઓને નિર્દય ધણિના હાથમાં સોંપી દઈશ; અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે, સૈન્યોના પ્રભુ યહોવાનું વચન એવું છે.
5 સમુદ્રનાં પાણી ઓસરી જશે, ને નદીનાં પાણી ઓછાં થઈને સુકાઈ જશે.
6 નદીઓ ગંધ મારશે, મિસરની નહેરો ખાલી થઈને સુકાઈ જશે., અને બરુઓ તથા કમળ ચીમળાઈ ઝશે.
7 નાઈલને કાંઠે નાઈલની પાસે જે બીડો, ને નાઈલ પાસે જે સર્વ વાવેતર તે સુકાઈને ઊડી જશે, ને કંઈ રહેશે નહિ.
8 માછીઓ શોક કરશે, નાઈલમાં ગલ નાખનાર સર્વ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ નિરાશ થશે.
9 પીંજેલા શણનું કામ કરનારા તથા સુતરાઉ કાપડના વણનારા નાઉમેદ થશે.
10 તેના સ્તંભોને છૂંદી નાખવામાં આવશે, ને સર્વ મજૂરી કરનારનાં મન શોકાતૂર થશે.
11 સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”
12 તો હવે તારા જ્ઞાનીઓ ક્યાં છે? તેઓ તને ખબર આપે; અને સૈન્યોના ઈશ્વર યહોવાએ મિસર સંબંધી શો ઠરાવ કર્યો છે, તે તેઓ જાણે.
13 સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.
14 યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.
15 માથું કે પૂછડું, તાડની ડાળી કે સરકટ મિસરને માટે કંઈ પણ કરી શકશે નહિ.
16 તે દિવસે મિસર નાહિંમત થશે; સૈન્યોના ઈશ્વર યહોવા પર મુકકી ઉગામે છે, તે ઉગામવાથી તે ધ્રૂજશે તથા બીશે.
17 યહૂદિયાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના ઈશ્વર યહોવાએ તેની વિરુદ્ધ જે ઠરાવ કર્યો છે તેને લીધે યહૂદિયાના નામના સ્મરણથી તેઓ ધ્રૂઝશે.
18 તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, ને સૈન્યોના ઈશ્વર યહોવાની આગળ સમ ખાણારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય-નગર કહેવાશે.
19 તે દિનસે મિસર દેશમાં યહોવાને માટે વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાના સ્મરણને માટે સ્તંભ થશે.
20 તે મિસર દેશમાં સૈન્યોના ઈશ્વર યહોવાને માટે ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાને પોકારશે, અને તે તેઓને માટે તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.
21 યહોવા મિસરને પોતાને ઓળખાવશે, ને તે દિવસે મિસર યહોવાને ઓળખશે; અને બલિદાનથી તથા ખાદ્યાર્પણથી તેઓ તેની ઉપાસના કરશે, તેઓ યહોવાને નામે માનતા લેશે, અને તેને પૂરી કરશે.
22 યહોવા મિસરને મારશે, અને માર્યા પછી તેને સમું કરશે; અને તેઓ યહોવાની તરફ પાછા ફરશે, તે તેમની પ્રાર્થના સ્વીકારશે, અને તેમને સાજા કરશે.
23 તે દિવસે મિસરથી આશૂર સુધી સડક થશે, ને આશૂરીઓ મિસરમાં ને મિસરીઓ આશૂરમાં જશે; અને મિસરીઓ આશૂરીઓ સાથે યહોવાની ઉપાસના કરશે.
24 તે દિવસે મિસર તથા આશૂરની સાથે ત્રીજો ઇઝરાયલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદરૂપ થઈ જશે;
25 કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાએ આશીર્વાદ આપીને કહ્યું છે, “મારા લોક મિસર, મારા હાથની કૃતિ આશૂર, તથા મારું વતન ઇઝરાયલ, તેઓ ત્રણે આશીર્વાદિત થાઓ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×