Bible Versions
Bible Books

Isaiah 45 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”
2 વળી યહોવા તેને એવું કહે છે કે, “હું તારી આગળ જઈશ, ને ટીંબાટેકરાને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાના કકડેકકડા કરી નાખીશ, ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ!
3 હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.
4 મારા સેવક યાકૂબને લીધે, ને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ મેં તને અટક આપી છે.
5 હું યહોવા છું, ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ હું તારી કમર બાંધીશ.
6 એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી; હું યહોવા છું, ને બીજો કોઈ નથી.
7 પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા સર્વનો કરનાર છું.
8 હે આકાશો, તમે ઉપરથી ટપકો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; પૃથ્વી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદભવે, અને તેની સાથે તે ન્યાયીપણું ઉપજાવે; મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે.
9 જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ કહે કે, ‘તારા કામને હાથ નથી?’
10 જે પિતા ને પૂછે, ‘તું કોને જન્મ આપે છે?’ અને સ્ત્રીને કહે, ‘તું કોને જન્મવવા કષ્ટાય છે’ તેને અફસોસ!”
11 ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર તથા એનો બનાવનાર યહોવા કહે છે, “ભવિષ્યની બિનાઓ વિષે તમે મને પૂછશો? મારા પુત્રો સંબંધી તથા મારા હાથનાં કાર્યો સંબંધી મને આજ્ઞા કરશો?
12 પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.
13 મેં તેને ન્યાયી ઉદેશથી ઊભો કર્યો છે, તેના સર્વ માર્ગો હું સીધા કરીશ; તે મારું નગર બાંધશે, ને કંઈ મૂલ્ય અથવા બદલો લીધા વગર મારા બંદીવાનોને તે છોડી મૂકશે.” સૈન્યોના ઈશ્વર યહોવા એવું કહે છે.
14 યહોવા એવું કહે છે, “મિસરની મહેનત નું ફળ તથા કૂશનો વેપાર, અને કદાવર સબાઈમ લોકો બધાં તારે શરણે આવશે ને તારાં થશે. તેઓ તારી આગળ ચાલશે; તેઓ બેડીઓ પહેરીને ચાલતા આવશે. અને તેઓ તારી આગળ પ્રણામ કરશે, તેઓ તને વિનંતી કરશે કે, માત્ર તારામાં ઈશ્વર છે; અને બીજો કોઈ નથી, બીજો ઈશ્વર નથી.”
15 હે ઇઝરાયલના ઈશ્વર, ઇઝરાયલના ત્રાતા, ખરેખર તમે ગુપ્ત રહેનાર ઈશ્વર છો.
16 તેઓ સર્વ લજવાશે, હા, તેઓ બદનામ થશે. મૂર્તિઓ ઘડનારા સર્વ શરમાઈ જશે.
17 પણ યહોવાથી ઇઝરાયલ અનંતકાળ માટેનું તારણ પામશે; તમે સદાકાળ માટે લજવાશો નહિ ને શરમાશો નહિ.
18 આકાશો ઉત્પન્ન કરનાર યહોવા તે ઈશ્વર છે; પૃથ્વીના બનાવનાર તથા તેના કર્તા તે છે; તેમણે એને સ્થાપન કરી, ઉજજડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસતિને માટે તેને બનાવી; તે એવું કહે છે, “હું યહોવા છું; અને બીજો કોઈ નથી.
19 ગુપ્તમાં, અંધકારના પ્રદેશમાં, હું બોલ્યો નથી; યાકૂબનાં સંતાનોને મને ફોગટ શોધવાનું મેં કહ્યું નથી. હું યહોવા, સત્ય વાત કહેનાર, તથા સાચી વાત પ્રગટ કરનાર છું.
20 વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.
21 તમારી દલીલો જાહેર કરીને તેમને પાસે લાવો; એકત્ર થઈને તેઓ મસલત કરે; પુરાતન કાળથી કોણે કહી સંભળાવ્યું? આગળથી એની ખબર કોણે આપી? શું મેં યહોવાએ એમ નથી કર્યું? મારા સિવાય બીજો ઈશ્વર નથી; હું ન્યાયી ઈશ્વર તથા ત્રાતા; મારા વિના કોઈ નથી.
22 હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.
23 મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.
24 મારા વિષે કહેવાશે કે, ‘ફકત યહોવામાં ન્યાયીપણું, તથા સામર્થ્ય છે; લોકો તેમને શરણે આવશે, ને તેમની સામે જેઓને રોષ ચઢયો હતો, તેઓ સર્વ લજવાશે.
25 ઇઝરાયલનાં સર્વ સંતાન યહોવામાં ન્યાયી ઠરશે, અને તેમનો જયજયકાર કરશે.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×