Bible Versions
Bible Books

Isaiah 55 (GUV) Gujarati Old BSI Version

1 “હે તૃષિત જનો, તમે સર્વ પાણીની પાસે આવો, જેની પાસે કંઈ પણ નાણું નથી તે તમે આવો; વેચાતું લો, અને ખાઓ. વળી આવીને નાણાં વિના તથા મૂલ્ય વિના દ્રાક્ષારસ તથા દૂધ વેચાતાં લો.
2 જે ખોરાક નથી તેને માટે નાણું શા માટે ખરચો છો? જેથી તૃપ્તિ થતી નથી તેને માટે તમારી કમાઈ શા માટે ખરચી નાખો છો? કાન દઈને મારું સાંભળો, અને સારું ખાઓ, ને સ્વાદિષ્ટ ભોજનથી તમારો જીવ સંતોષ પામે.
3 કાન દો, મારી પાસે આવો; સાંભળો, એટલે તમારો આત્મા જીવશે! અને દાઉદ પર કરેલી કૃપા જેમ નિશ્ચલ છે તે પ્રમાણે હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ.
4 મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.
5 જો, જે પ્રજાને તું જાણતો નથી તેને તું બોલાવીશ, ને જે પ્રજા તને જાણતી નહોતી તે તારા ઈશ્વર યહોવાને લીધે તારી પાસે દોડી આવશે, તે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ને લીધે આવશે; કારણ કે તેણે તને પ્રતાપી કર્યો છે.
6 યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.
7 દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને આધર્મી માણસ પોતાના વિચારો તજી દે; અને યહોવા પાસે તે પાછો આવે, તો તે તેના પર કૃપા કરશે; અને આપણા ઈશ્વરની પાસે આવે, કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે.
8 કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવા કહે છે.
9 “જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
10 જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે, અને ભૂમિને સિંચ્યા વિના, ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછાં ફરતાં નથી;
11 તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે; મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું, તેમાં સફળ થયા વિના, તે ફોગટ મારી પાસે પાછું વળશે નહિ.
12 તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.
13 કાંટાના ઝાડને સ્થાને દેવદાર, અને રાની ગુલાબને સ્થાને મેંદી ઊગશે. તે યહોવાની નામના તરીકે, કદી નાશ પામશે નહિ એવું અનંતકાળ માટેનું સ્મારક થશે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×