Bible Versions
Bible Books

Jeremiah 34 (GUV) Gujarati Old BSI Version

1 જ્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર, તેનું સર્વ સૈન્ય તેના તાબાનાં પૃથ્વી પરનાં સર્વ રાજ્યો તથા સર્વ લોકો યરુશાલેમની સામે તથા તેનાં સર્વ નગરોની સામે લડતાં હતાં, ત્યારે યહોવાનું જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ:
2 યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “યહૂદિયાના રાજા સિદકિયાની પાસે જઈને તેને કહે, ‘યહોવા કહે છે કે, જો, હું નગર બાબિલના રાજાના હાથમાં સોંપીશ, ને તે તેને આગ લગાડીને બાળી નાખશે.
3 તું તેના હાથમાંથી છૂટીશ નહિ, પણ તું અવશ્ય પકડાશે ને તેના હથામાં સોંપાશે. અને તારી ને બાબિલના રાજાની આંખેઆંખ મળશે, ને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે, ને તું બાબિલ જશે.’”
4 તોપણ હે યહૂદિયાના રાજા સિદકિયા, તું યહોવાનું વચન સાંભળ:તારે વિષે યહોવા કહે છે, “તું તરવારથી મરીશ નહિ.
5 તું શાંતિથી મરીશ, અને લોકોએ તારા પૂર્વજોની, એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે; અને ‘રે અમારા ઘણી, હાય હાય!’ એમ કહીને તારે લીધે વિલાપ કરશે. કેમ કે વચન હું બોલ્યો છું, એવું યહોવા કહે છે.
6 પછી યર્મિયા પ્રબોધકે યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાને સર્વ વચન કહી સંભળાવ્યાં,
7 તે સમયે બાબિલના રાજાનુમ સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયામાં બાકી રહેલાં લાખીશ તથા અઝેકા નગરોની સામે લડતું હતું; કેમ કે યહૂદિયાનાં નગરોમાંના બાકી રહેલાં કિલ્લાબંધ નગરો બે હતાં.
8 યરુશાલેમમાં રહેલા લોકોને છુટકારાની જાહેરખબર આપવાનો કરાર સિદકિયા રાજાએ યરુશાલેમમાંના સર્વ લોકોની સાથે કર્યો હતો, ત્યાર પછી જે વચન યહોવાથી યર્મિયાની પાસે આવ્યું તે નીચે પ્રમાણે હતું.
9 કરાર તો એવો હતો કે, દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ અને દાસીને છોડી મૂકે, જેથી કોઈ પણ માણસ તેઓની પાસે, એટલે પોતાનાં હિબ્રૂ ભાઈ બહેન ની પાસે સેવા કરાવે નહિ.
10 સર્વ સરદારો તથા સર્વ લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે દરેક પોતાના દાસને ને પોતાની દાસીને છોડી મૂકે, ને હવે પછી તેઓની પાસે સેવા કરાવે નહિ; કરાર પાળીને તેઓએ તેઓને છોડી મૂક્યાં;
11 પણ ત્યાર પછી તેઓ ફરી ગયા, ને જે દાસોને તથા દાસીઓને તેઓએ છોડી દીધાં હતાં તેઓને તેઓએ પાછાં બોલાવી મંગાવ્યાં, ને દાસો તથા દાસીઓ તરીકે તેમને કબજામાં રાખ્યાં.
12 તેથી યહોવાની પાસેથી યહોવાનુમ વચન યર્મિયાની પાસે પ્રમાણે આવ્યું:
13 યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, એટલે દાસત્વના ઘરમાંથી કાઢી લાવ્યો, તે દિવસે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,
14 તારો જે હિબ્રુ ભાઈ તેં વેચાતો લીધો છે અને જેણે વરસ તારી સેવા કરી છે, તેને તારે છોડી દેવો, એવાને તમારે સાત વરસને અંતે છોડી દેવો. પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ.
15 વળી હમણાં તમે ફર્યા હતા, ને તમે દરેકે પોતાના પડોશીનો છુટકારો જાહેર કરીને જે મારી દષ્ટિમાં યોગ્ય છે તે કર્યું હતું; અને જે મંદિઅર મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
16 પણ હવે તમે ફરી ગયા, ને મારા નામનું અપમાન કર્યું, ને જેઓને તેમની મરજી પ્રમાણે તમે છોડી દીધાં હતાં તેઓને, એટલે તમારાં દાસ તથા દાસીને, તમે દરેકે પાછાં બોલાવી લીધાં છે; અને તમારાં દાસો તથા દાસીઓ થવા માટે તેમને કબજામાં રાખ્યાં છે.”
17 તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું વચન પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.
18 જે માણસોએ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેઓએ વાછરડાના બે કકડા કરીને તેના બે ભાગોની વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો, પણ તેનાં વચનો પાળ્યાં નથી તેઓને;
19 એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગોની વચ્ચે થઈને ગયેલા દેશના સર્વ લોકોને,
20 હું તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓનો જીવ શોધનારાના હાથમાં સોંપી દઈશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં જાનવરો તેઓનાં મુડદાં ખાઈ જશે.
21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો જીવ શોધે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.
22 યહોવા કહે છે, જુઓ, હું આજ્ઞા કરીને તેઓને નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે ને તેને જીતી લેશે, ને તેને આગ લગાડીને બાળી નાખશે. અને હું યહૂદિયાનાં નગરોને વસતિહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×