1 દાઉદનું ગીત. માસ્કીલ. જેનું ઉલ્લંઘન માફ થયું છે, તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે તેને ધન્ય છે.
2 જેને યહોવા અન્યાયી ગણતા નથી, અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે.
3 હું છાનો રહ્યો ત્યારે આખો દિવસ કણવાથી મારાં હાડકાં જીર્ણ થયાં,
4 કેમ કે રાતદિવસ મારા ઉપર તમારો હાથ ભારે હતો. મારો રસ જાણે કે ઉનાળાની ગરમીથી સુકાઈ ગયો. (સેલાહ)
5 મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)
6 તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.
7 તમે મારી સંતાવાની જગા છો; તમે મને સંકટમાંથી ઉગારશો; ઉદ્ધારનાં સ્તોત્રો તમે મારી આસપાસ ગવડાવશો. (સેલાહ)
8 કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.
9 ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવા ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તેઓ તારી પાસે આવે નહિ, તેમના જેવો તું ન થા.
10 દુષ્ટ પર ઘણી વિપત્તિઓ આવી પડશે; પણ જે યહોવા પર ભરોસો રાખે છે, તે તેમની કૃપાથી ઘેરાશે.
11 હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો.