Bible Versions
Bible Books

Psalms 77 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત. હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ; મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ, અને તે મને કાન ધરશે.
2 મારા દુ:ખને દિવસે મેં પ્રભુને શોધ્યા; રાત્રે થાક ખાધા વગર, મારા હાથ તેમની આગળ જોડી રાખેલા હતા; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
3 હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું પ્રાર્થના કરીને મનન કરું છું, ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. (સેલાહ)
4 તમે મને મારી આંખો મીંચવા દેતા નથી; હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી.
5 હું આગલા દિવસોનો, પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.
6 રાતમાં મારું ગાયેલું ગીત મને સાંભરે છે; હું મનમાં મનન કરું છું; અને મારા આત્માએ ઘણી શોધ કરતાં પૂછયું,
7 “શું પ્રભુ આપણને સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
8 શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
9 કૃપાળુ થવાને ઈશ્વર વીસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે?” (સેલાહ)
10 ત્યારે મેં કહ્યું, “આ તો મારી નિર્બળતા છે;” પરંતુ પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.
11 હું યહોવાનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભારીશ.
12 વળી હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
13 હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્રસ્થાનમાં છે; ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે?
14 તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
15 તમે તમારા બાહુથી પોતાના લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના પુત્રોને છોડાવ્યા છે. (સેલાહ)
16 હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને બીધું; ઊંડાણો પણ ધ્રુજ્યાં.
17 વાદળોએ પાણી રેડયું; આકાશે ગર્જના કરી; તમારાં બાણ ચોતરફ ઊડ્યાં.
18 તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા ડોલી.
19 તમારો માર્ગ સમુદ્રમાં હતો; તમારી વાટો મહાજળમાં હતી; તમારાં પગલાં જાણવામાં આવ્યાં નહિ.
20 તમે મૂસા તથા હારુનની મારફતે પોતાના લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×