Bible Versions
Bible Books

Romans 5 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.
2 જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે કૃપા માં ઈસુ ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.
3 અને માત્ર એટલું નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,
4 અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે,
5 અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.
6 કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.
7 હવે ન્યાયી માણસને માટે ભાગ્યે કોઈ મરે; સારા માણસને માટે કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે.
8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.
9 ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્‍યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
10 કેમ કે જયારે આપણે શત્રુ હતા, ત્યારે જો ઈશ્વરની સાથે તેમના દીકરાના મરણદ્વારા આપણો તેમની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેમના જીવનને લીધે બચીશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!
11 એટલું નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.
12 તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.
13 કેમ કે નિયમશાસ્‍ત્ર પ્રગટ થયા પહેલાં પણ પાપ જગતમાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ હોય ત્યાં પાપ ગણાય નહિ.
14 તોપણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું, હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું, તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો તે આવનારની એંધાણીરૂપ હતો.
15 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી, કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષે કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.
16 એકના પાપનું પરિણામ જેવું થયું તેવું દાનનું નથી, કેમ કે એક ના અપરાધ થી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું.
17 કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી, એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!
18 માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ નું દાન મળ્યું.
19 કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.
20 વળી, અપરાધ અધિક થાય, તે માટે નિયમશાસ્‍ત્રે પ્રવેશ કર્યો! પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ;
21 જેથી જેમ પાપે મરણ રૂપી રાજ્ય માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×