Bible Versions
Bible Books

2 Corinthians 1 (GUV) Gujarati Old BSI Version

1 કરિંથમાંની ઈશ્વરની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખનાર ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તથા ભાઈ તિમોથી:
2 ઈશ્વર આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.
4 તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.
5 કેમ કે જેમ ખ્રિસ્તમાં દુ:ખ અમને પુષ્કળ પડે છે, તેમ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે છે.
6 પણ જો અમને વિપત્તિ પડે છે, તો તે તમારા દિલાસા તથા તારણ માટ છે; અથવા જો અમને દિલાસો મળે છે, તો તે તમારા દિલાસાને માટે છે કે, જેથી કરીને જે દુ:ખો અમે પણ સહન કરીએ છીએ તે દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્‍ન થાય.
7 અને તમારે માટે અમારી આશા દઢ છે, કારણ કે જેમ તમે દુ:ખોમાં ભાગિયા, તેમ દિલાસામાં પણ ભાગિયા છો અમને માલૂમ છે.
8 કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.
9 ઊલટું અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહિ, પણ મૂએલાંને ઉઠાડનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.
10 તેમણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે. વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેમના પર અમે આશા રાખી છે.
11 તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો કે, ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું, તેને લીધે અમારી વતી ઘણા આભારસ્તુતિ કરે.
12 કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.
13 કેમ કે તમે જે વાંચો છો અને માનો પણ છો, તે વિના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી;
14 અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા અભિમાનનું કારણ છો તેમ તે દિવસોમાં અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.
15 વળી તમને ફરી બીજી વાર કૃપાદાન મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું.
16 એટલે તમારી પાસે થઈને મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું, અને તમારી પાસેથી યહૂદિયા તરફ જવાને વિદાયગીરી લેવાનું મન હતું.
17 તો મારો એવો ઇરાદો હતો તેથી શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે કરવાને હું ઇરાદો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે, મારું બોલવું એકી વખતે હાની હા ને નાની ના હોય?
18 પણ ઈશ્વરના વિશ્વાસુપણાની પ્રતિજ્ઞા લઈને હું કહું છું કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું.
19 કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા છે.
20 કેમ કે ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે તોપણ તેમનામાં હા છે. અને અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે માટે તેમના વડે આમીન પણ છે.
21 હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે. તે ઈશ્વર છે;
22 તેમણે અમને મુદ્રાંકિત કર્યા છે, અને અમારાં હ્રદયોમાં પવિત્ર આત્માનું બાનું પણ આપ્યું છે.
23 પણ મારા જીવના સમ ખાઈને હુ ઈશ્વરને સાક્ષી રાખું છું કે, તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી.
24 તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×