Bible Versions
Bible Books

2 Samuel 6 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદે ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકત્ર કર્યા. તે ત્રીસ હજાર હતા.
2 ‘કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવા, નામથી ઓળખાતા ઈશ્વરના કોશને જ્યાં તે હતો ત્યાંથી લાવવા માટે દાઉદ ઊઠ્યો, અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને બાલે-યહૂદિયાથી નીકળ્યો.
3 તેઓ ઈશ્વરના કોશને એક નવા ગાડામાં મૂકીને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું, ત્યાંથી લાવતા હતા. અને અબીનાદાબના દિકરા ઊઝઝા તથા આહયો તે નવું ગાડું હાંકતા હતા.
4 અને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું ત્યાંથી તેઓ તે ગાડા ને ઈશ્વરના કોશ સહિત લાવતા હતા. અને આહયો કોશ આગળ ચાલતો હતો.
5 અને દાઉદ તથા ઇઝરાયલના આખા ઘરના લોકો દેવદારના લાકડાનાં સર્વ પ્રકારના વાજિંત્રો, અને વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરાં યહોવાની આગળ વગાડતા હતા.
6 તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉઝઝાએ ઈશ્વરના કોશ તરફ હાથ લાંબો કરીને તે પકડ્યો. કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી.
7 અને યહોવાનો કોપ ઉઝઝા પર સળગ્યો. અને ત્યાં ઈશ્વરે તેને તેના અપરાધને લીધે માર્યો; અને ત્યાં તે ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.
8 યહોવા ઉઝઝા પર તૂટી પડ્યા હતા, તેથી દાઉદને માઠું લાગ્યું; અને તેણે તે જગાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું, તે નામ આજ સુધી ચાલે છે.
9 દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો; અને તેણે કહ્યું, “યહોવાનો કોશ મારી પાસે કેમ કરીને આવી શકે?”
10 આથી દાઉદ યહોવાનો કોશ પોતાની પાસે દાઉદનગરમાં આવવા ઇચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો.
11 અને કરારકોશ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માસ રહ્યો. અને યહોવાએ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ આપ્યો.
12 અને દાઉદ રાજાને સમાચાર મળ્યા, “ઈશ્વરના કોશને લીધે યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે, ત્યારે દાઉદ ઈને ઈશ્વરના કોશને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદનગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો.
13 અને એમ થયું કે ઈશ્વરનો કોશ ઊંચકનારા ડગલાં ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું.
14 અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.
15 પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ લોક જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.
16 અને યહોવાનો કોશ દાઉદનગરમાં આવતો હતો ત્યારે એમ થયું કે, શાઉલની દીકરી મીખાલે બારીમાંથી નજર કરી, તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો તથા નાચતો જોયો; એટલે મીખાલે દાઉદને પોતાના અંત:કરણમાં તુચ્છ ગણ્યો.
17 લોકોએ યહોવાનો કોશ નગરની અંદર લઈ જઈને, જે મંડપ દાઉદે તેને માટે ઊભો કર્યો હતો, તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
18 અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યા પછી દાઉદે સૈન્યોના યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
19 તેણે સર્વ લોકોને, એટલે ઇઝરાયલના આખા સમુદાયને, પુરુષને તેમ સ્‍ત્રીને, એક એક રોટલી, કેટલુંક માંસ, તથા સૂકી દ્રાક્ષા વહેંચી આપ્યાં. પછી સર્વ લોક પોતપોતાના ઘેર ગયા.
20 પછી દાઉદ પોતાના ઘરનાં માણસોને આશીર્વાદ આપવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું, “આજે ઇઝરાયલના રાજા કેટલા મહિમાવંત દેખાતા હતા! કેમ કે જેમ કોઈ હલકો માણસ નિર્લજ્‍જતાથી નવસ્‍ત્રો થાય, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના જોતાં આજે નવસ્‍ત્રા થયા.”
21 અને દાઉદે મીખાલને કહ્યું, તો યહોવાની આગળ મેં એમ કર્યું,, જેમણે યહોવાના લોક પર એટલે ઇઝરાયલ પર મને અધિકારી ઠરાવવા માટે તારા પિતા કરતાં તથા તેના કુટુંબના સર્વ કરતાં મને પસંદ કર્યો છે; માટે હું તો યહોવાની સમક્ષ ઉત્સવ કરીશ.
22 અને વળી તે કરતાં પણ હું હલકો ઈશ, ને મારી પોતાની દષ્ટિમાં નીચ થઈશ. પણ જે દાસીઓ વિષે તું બોલી છે, તેઓથી તો હું સન્માન પામીશ.”
23 અને શાઉલની દીકરી મીખાલને તેના મરણના દિવસ સુધી કંઈ બાળક થયું નહિ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×