Bible Versions
Bible Books

Isaiah 43 (GUV) Gujarati Old BSI Version

1 પણ હવે, હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા યહોવા, ને હે ઇઝરાયલ, તારા બનાવનાર એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.
2 તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહિ; અને જ્વાળા તને બાળશે નહિ.
3 કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલને પવિત્ર ઈશ્વર તારો ત્રાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.
4 કેમ કે તું મારી દષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રેમ કર્યો છે. તે માટે હું તારે બદલે માણસો, ને તારા જીવને બદલે લોકો આપીશ.
5 તું બીશ નહિ; કેમ કે હું તારી સાથે છું; હું તારા સંતાન પૂર્વથી લાવીશ, ને પશ્ચિમથી તને એકત્ર કરીશ.
6 હું ઉત્તરને કહીશ, ‘છોડી દે;’ અને દક્ષિણને કહીશ કે, ‘અટકાવ કર; મારા દીકરાઓને વેગળેથી, ને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ;
7 જે સર્વને મરું નામ આપેલું છે, ને જેને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યો છે તેને લાવ; મેં તેને બનાવ્યો; હા, મેં તેને પેદા કર્યો છે.’
8 જે લોકો છતી આંખે આંધળા છે, જે જેઓ કાન છતાં બહેરા છે, તેઓને આગળ લાવ.
9 સર્વ પ્રજાઓ, તમે એકઠી થાઓ, ને લોકો ભેગા થાઓ; તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે, અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાના સાક્ષી હાજર કરે કે તેઓ સાચા ઠરે; અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’”
10 યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.
11 હું, હું યહોવા છું; અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી.
12 મેં તો વિદિત કર્યું છે, બચાવ કર્યો છે, ને સંભળાવ્યું છે, ને તમારામાં કોઈ અન્ય દેવ નહોતો” માટે યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, હું ઈશ્વર છું.
13 વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”
14 તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર યહોવા એવું કહે છે, “તમારે માટે મેં સૈન્યને બાબિલ મોકલ્યું છે, અને હું સર્વને, એટલે તેઓનાં મોજ કરવાનાં વહાણોમાં ખાલદીઓને નાસી જનારની જેમ પાડી નાખીશ.
15 હું યહોવા, તમારો પવિત્ર ઈશ્વર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.
16 જે યહોવા સમુદ્રમાં માર્ગ, ને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,
17 જે રથ તથા ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું; તેઓ ભેગા સૂઈ જાય છે, તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
18 તમે આગલી વાતોનું સ્મરણ કરશો નહિ, અને પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
19 જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.
20 જંગલનાં શ્વાપદો, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે; કારણ કે મારા લોકોને એટલે મારા પસંદ કરેલાઓને પીવડાવવા માટે, હું અરણ્યમાં પાણી તથા ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું.
21 મેં લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.
22 પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે.
23 તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.
24 તેં મારે માટે નાણાં ખરચીને અગર વેચાતું લીધું નથી, ને તારા યજ્ઞોના મેદથી મને તૃપ્ત કર્યો નથી; ખરું જોતાં તેં મારા પર તારાં પાપનો બોજો મૂક્યો છે, અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.
25 જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખે તે હું, હું જુ છું; તારાં પાપોને હું સંભારીશ નહિ.
26 મને યાદ દેવડાવ; આપણે પરસ્પર વિવાદ કરીએ. તું તારી હકીકત કહે, જેથી તું ન્યાયી ઠરે.
27 તારા આદિપિતાએ પાપ કર્યું છે, ને તારા મધ્યસ્થોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યા છે.
28 તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે, ને યાકૂબને શાપરૂપ તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખ્યા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×