Bible Versions
Bible Books

Job 6 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,
2 “જો મારી વિપત્તિનો માત્ર તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવામાં મુકાય તો કેવું સારું!
3 કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં ભારે થાય; તેથી મારું બોલવું અવિચારી હતું.
4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.
5 શું રાની ગધેડાની આગળ ઘાસ હોય તો તે ભૂંકે? કે બળદની આગળ ઘાસ હોય છતાં શું તે બરાડે?
6 શું ફિક્કી વસ્તુ મીઠા વગર ખવાય? કે શું ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય?
7 જે વાનાં મને કંટાળા ભરેલા અન્ન જેવાં લાગે છે, તેનો સ્પર્શ કરવાને મારો આત્મા ના પાડે છે.
8 અરે, જો મારી વિનંતી સફળ થાય, અને જેને માટે હું તલપું છું તે જો ઈશ્વર મને બક્ષે!
9 એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!
10 ત્યારે તો હજીયે મને દિલાસો થાય; હા, એવા અસહ્ય દુ:ખોમાંયે હું આનંદ માનું; કેમ કે મેં પવિત્ર ઈશ્વર નાં વચનોની અવગણના કરી નથી.
11 મારું બળ શું છે કે હું સહનશક્તિ રાખું? અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું?
12 શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી જેટલી છે? કે શું મારું માંસ પિત્તળનું છે?
13 શું હું પંડે બિલકુલ લાચાર નથી? શું ડહાપણ થી કામ કરવાની શક્તિ નો મારામાંથી લોપ થયો નથી?
14 નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ત્યાગ કરી દે.
15 મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,
16 જેઓ બરફના કારણથી કાળા દેખાય છે, અને જેઓમાં હિમ ઢંકાયેલું રહે છે;
17 તેઓ ગરમીથી અદશ્ય થઈ જાય છે; અને તડકો પડતાં તેઓ પોતાની જગાએથી નાશ પામે છે.
18 તેઓની પાસે કાફલા જાય છે, અને અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.
19 તેમના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, અને શેબાના સંઘે તેઓની રાહ જોઈ.
20 પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા; તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડયા.
21 કેમ કે હવે તમે એવા છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો!
22 શું મેં કહ્યું કે, મને કંઈ આપો? કે, તમારા દ્રવ્યમાંથી મારે માટે ખરચ કરો? કે,
23 શત્રુના હાથથી મને ઉગારો? કે, જુલમીના હાથથી મને છોડાવો?
24 મને સમજાવો, એટલે હું છાનો રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.
25 સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
26 નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે, તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો આપવાનું ધારો છો?
27 હા, તમે તો અનાથ પર ચિઠ્ઠીઓ નાખો, તથા તમારા મિત્રોનો વેપાર કરો એવા છો.
28 તો હવે, કૃપા કરીને મારી તરફ જુઓ; કેમ કે તમારી સમક્ષ તો હું જૂઠું બોલીશ નહિ.
29 કૃપા કરીને પાછા ફરો, કંઈ અન્યાય થવો જોઈએ; હા, પાછા ફરો, મારી દાદ વાજબી છે.
30 શું મારી જીભમાં અન્યાય છે? શું હાનિકારક વસ્તુને પારખવાની શક્તિ મારામાં રહી નથી?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×