1 સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા; મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું.
2 સાતમાં માસને પહેલે દિવસે, પ્રજાના સર્વ સ્ત્રીપુરુષો અને જેઓ સાંભળીને સમજી શકે એવાં હતાં તે સર્વની આગળ એઝરા યાજક નિયમશાસ્ત્ર લાવ્યો.
3 પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોઢિયાની બપોર સુધી, સ્ત્રીપુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ, તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક ધ્યાનથી સાંભળતા હતા.
4 એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા તથા માસેયા; અને તેને ડાબે હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા તથા મશુલ્લામ ઊભા રહ્યા.
5 એઝરાએ સર્વ લોકોના જોતાં તે પુસ્તક ઉઘાડ્યું. (કેમ કે તે સર્વ લોકથી ઊંચા આસન પર હતો.) તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા.
6 મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને, “આમીન, આમીન” કહ્યું, લોકોએ માંથા નમાવીને પોતાનાં મુખ ભૂમિ તરફ રાખ્યાં અને યહોવાનું ભજન કર્યું.
7 વળી યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા તથા લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગાએ ઊભા રહ્યા હતા.
8 લેવીઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું, અને તેમને વાચેલું સમજાવ્યું.
9 સર્વ લોક નિયમશાસ્ત્રનાં વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસૂબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને કહ્યું, “ આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે. માટે શોક કરવો નહિ અને રુદન પણ કરવું નહિ.”
10 પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.
11 છાના રહો કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ.” એમ કહીને લેવીઓએ સર્વ લોકને શાંત પાડ્યા.
12 સર્વ લોક ખાવાપીવાને, હિસ્સા મોકલવાને તથા આનંદ આનંદ કરવાને ગયા, કેમ કે જે વચનો તેઓને વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.
13 બીજે દિવસે લોકોના પિતૃઓનાં કુટુંબોના વડીલો, યાજકો તથા લેવીઓ, નિયમશાસ્ત્રની વાતોને સમજવા માટે એઝરા શાસ્ત્રીની પાસે ટોળે મળ્યા.
14 સાતમા માસના પર્વમાં ઇઝરાયલપુત્રોએ માંડવાઓમાં રહેવું, એવૌ યહોવાએ મૂસા દ્વારા આજ્ઞા આપી છે, એમ નિયમશાસ્ત્રમાં લખેલું તેઓને માલૂમ પડ્યું
15 “તેથી યરુશાલેમમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે ‘તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ, અને લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈતવૃક્ષની, દેવાદારની મેંદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો.’”
16 તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.
17 જેઓ બંદિવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની સમગ્ર પ્રજા માંડવા કરીને તેઓમાં વસી; કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલી લોકોએ એવું કર્યું ન હતું. અને મહા આનંદ થઈ રહ્યો.
18 પહેલા દિવસથી તે છેલ્લા દિવસ સુધી તેણે દરરોજ ઈશ્વરના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચી સંભળાવ્યું. તેઓએ સાત દિવસ સુધી પર્વ પાળ્યું. અને આઠમે દિવસે નિયમ પ્રમાણે પર્વસમાપ્તિની સભા ભરી.