Bible Versions
Bible Books

Psalms 139 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે, દાઉદનું ગીત, હે યહોવા, તમે મારી પરીક્ષા કરી છે, અને તમે મને ઓળખો છો.
2 મારું બોલવું તથા ઊઠવું તમે જાણો છો; તમે મારો વિચાર વેગળેથી સમજો છો.
3 મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો. તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
4 કેમ કે, હે યહોવા, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
5 તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે, અને તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.
6 આવું જ્ઞાન મને તો આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે, હું તેને કળી શકતો નથી.
7 તમારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં?
8 જો હું આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું શેઓલમાં મારી પથારી નાખું, તો ત્યાં પણ તમે છો!
9 જો હું પરોઢિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું;
10 તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને પકડી રાખશે!
11 જો હું કહું, “અંધકાર તો નિશ્ચે મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે!
12 અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની જેમ પ્રકાશે છે! તમારી આગળ અંધારું અને અજવાળું બેઉ સરખાં છે.
13 મારું અંત:કરણ તમે ઘડ્યું છે; અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે.
14 ભય તથા આશ્ચર્ય પમાડે એવી રીતે મને રચવામાં આવ્યો છે. માટે હું તમારી આભારસ્તુતિ કરીશ. તમારાં કામ આશ્ચર્યકારક છે, મારો જીવ સારી રીતે જાણે છે.
15 જ્યારે મને અદશ્ય રીતે રચવામાં આવ્યો, અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું હતું.
16 મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે, અને મારું એકે અંગ થયેલું હતું, ત્યારે પણ તેઓ સર્વ, તેમ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
17 હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18 જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય! જ્યારે હું જાગું ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
19 હે ઈશ્વર, તમે દુષ્ટોને ઠાર કરો તો સારું; અરે ખૂની માણસો, મારાથી દૂર જાઓ.
20 તેઓ તમારા વિષે ભૂંડું બોલે છે, તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે.
21 હે યહોવા, તમારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહિ કરું? જેઓ તમારી સામા ઊઠે છે તેઓનો શું હું ધિક્કાર નહિ કરું?
22 હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરું છું; તેઓને હું મારા શત્રુઓ ગણું છું.
23 હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું અંત:કરણ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો;
24 મારામાં કંઈ દુરાચાર હોય, તો તે તમે જોજો, અને મને સનાતન માર્ગમાં ચલાવજો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×